Mon Aug 31 2026

Logo

સુરતમાં ડ્રાઈવરને અચાનક પેરેલિસિસ થઈ જતાં 5 વાહનોને લીધાં અડફેટે, બાઈકસવારને ઉડાવ્યો

2026-07-03 09:31:00
Author: Mayur Patel
સુરતમાં ડ્રાઈવરને અચાનક પેરેલિસિસ થઈ જતાં 5 વાહનોને લીધાં અડફેટે, બાઈકસવારને ઉડાવ્યો

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડ્રાઈવરને અચાનક પેરેલિસિસ થઈ જતાં 5 વાહનોને અડફેટે લીધા હતા. તેમજ બાઈકસવારને ઉડાવ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત

કાર ચલાવનાર 38 વર્ષનો યુવક વ્યવસાયે ડ્રાઈવર છે. તેમને એક વિચિત્ર બીમારી છે કે દર ચોમાસામાં તેમના ડાબા પગમાં લકવા (પેરાલિસિસ)ની અસર થઈ જાય છે. કાર ચલાવતી વખતે અચાનક તેમનો પગ બેકાબૂ થઈ ગયો અને તેઓ બ્રેક ન મારી શક્યા, જેના કારણે આ અકસ્માત થયો હતો.  પૂરપાટ ઝડપે આવતી કારે પહેલા રસ્તા કિનારે ઉભેલી લારીને અને પછી આગળ જતી બાઇકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી મજબૂત હતી કે બાઇક સવારો હવામાં ઉછળીને નીચે પડ્યા હતા. બાઇક ચલાવનાર યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેના માથામાં ઈજા ન થઈ. તે કારના ટાયર નીચે આવતા-આવતા સેકન્ડોના તફાવતથી બચી ગયો.

આ અકસ્માતમાં એક ચોંકાવનારો સંયોગ પણ હતો. 12 દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક કારચાલકની ભૂલથી 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત કરનાર ડ્રાઈવર  એ જ મૃતક બાળકીના 'બારમા'ની વિધિમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેને પેરેલિસિસ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકને 108 મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં એક વૃદ્ધની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.