નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પછાત વર્ગ (OBC) માં ક્રીમી લેયર અનામત પર આજે શુક્રવારે એક મોટી ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે, જો માતા-પિતા આઈએએસ (IAS) અધિકારી હોય તો તેમને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? જો વિદ્યાર્થીઓના માતા-પિતા સારી નોકરીઓમાં હોય અને સારી આવક મેળવી રહ્યા હોય, તો તેમના બાળકોએ અનામતમાંથી બહાર નીકળવું જોઈએ. કોર્ટે પછાત વર્ગોના ક્રીમી લેયર માટેના અનામત સંબંધિત એક અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું કે, જો માતા-પિતા બંને આઈએએસ (IAS) અધિકારી હોય, તો તેમને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? તેમણે વધુમાં ઉમેર્યું કે, “શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણથી સામાજિક ગતિશીલતા (બદલાવ) આવે છે. તેથી, બાળકો માટે અનામતની માંગણી ક્યારેય આનાથી બહાર નહીં નીકળી શકે. આ એક એવો મુદ્દો છે જેના પર આપણે પણ ધ્યાન આપવું પડશે.”
EWS અને OBCની વચ્ચે કંઇક તફાવત હોયઃ SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “વિદ્યાર્થીઓના માતા-પિતા સારી નોકરીઓમાં છે અને ખૂબ જ સારી આવક મેળવી રહ્યા છે, તેમ છતાં બાળકો અનામતની માંગણી કરી રહ્યા છે. જુઓ, તેમણે અનામતમાંથી બહાર નીકળવું જોઈએ. આ મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ (ચર્ચા) કરવાની જરૂર છે. ઈડબલ્યુએસ (EWS) અને ક્રીમી લેયર વચ્ચે પણ કંઈક તફાવત હોવો જોઈએ.”
EWS નો ઉલ્લેખ કરતા જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું કે, EWS માટે સામાજિક પછાતપણું નહીં, માત્ર આર્થિક પછાતપણું જ મુખ્ય આધાર છે. તેથી ક્રીમી લેયરના કિસ્સામાં માપદંડો EWS ની સરખામણીએ ઘણા વધુ ઉદાર હોવા જોઈએ. જો બંનેને સરખા માની લેવામાં આવે તો કોઈ તફાવત જ નહીં રહે.
જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું કે, આમાં કંઈક સંતુલન હોવું જોઈએ. કોઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોઈ શકે છે, પરંતુ જ્યારે માતા-પિતા અનામતનો લાભ ઉઠાવીને એક ચોક્કસ સ્તર સુધીનું શિક્ષણ મેળવી લે છે, ત્યારે તેઓ બંને આઈએએસ (IAS) અધિકારી બને છે, બંને સરકારી સેવામાં હોય છે. તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં હોય છે અને સામાજિક બદલાવ) આવી ચૂક્યો હોય છે. હવે સરકારના એવા આદેશો છે જે આ તમામ લોકોને (ક્રીમી લેયરને) બહાર રાખી રહ્યા છે અને તેઓ આ બહિષ્કાર (અનામત ન મળવા) પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બાબતને પણ ધ્યાનમાં રાખવી પડશે. જોકે, બેન્ચે આ અરજી પર નોટિસ જાહેર કરી છે.