નવી દિલ્હી: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પદેશ હાઇ કોર્ટના એ ચુકાદાને માન્ય રાખ્યો હતો કે જેમાં હિન્દુથી ખ્રિસ્તી બનેલા વ્યક્તિને SC-ST એક્ટ હેઠળ પ્રાથમિકતા આપવાની મનાઇ ફરમાવી હતી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે SCન દરજ્જો માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ માટે જ છે. આ સિવાયના ધર્મ અપનાવનારનો અનુસૂચિત જાતિનો દરજ્જો પૂરો થઈ જાય છે અને તેને આ એક્ટનો લાભ મળવાપાત્ર રહેતો નથી.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocities Act) હેઠળ ઉલ્લંઘનનો દાવો કરી શકતી નથી. અહેવાલ મુજબ, અદાલતે ઠરાવ્યું હતું કે, “હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ પાળનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના સભ્ય હોઈ શકે નહીં. અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.”
બેન્ચે કહ્યું હતું કે, આ મામલામાં અરજી કરનારે દાવો કર્યો હતો કે તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને તેના મૂળ ધર્મને અપનાવી લીધો છે અથવા તેના સમુદાયે તેને અપનાવી લીધો છે. આ વાત સાબિત કરી આપે છે કે અરજીકર્તા ખ્રિસ્તી ધર્મનું પાલન કરી રહ્યો હતો અને છેલ્લા એક દાયકાથી પાદરીના રૂપમાં કામ કરતો હતો. જે ગામમાં નિયમિત રવિવારની પ્રાર્થનાઓનું આયોજન કરે છે. આ કથિત ઘટનાઓના સમયે તે ઘર પર પ્રાર્થના સભાનું આયોજન કરતો હતો. આ બધી બાબતો એ સાબિત કરી આપે છે કે તે ઘટનાની તારીખ સુધી તે ખ્રિસ્તી હતો.
શું હતો મામલો?
મળતી વિગતો અનુસાર, ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારા એક શખ્સ પાદરી તરીકે કામ કરતો હતો, પરંતુ તેમ છતાં તેણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocities Act) હેઠળ અમુક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે અમુક લોકોએ તેને માર માર્યો હતો. તેણે એસસી-એસટી એક્ટ હેઠળ સુરક્ષાની માંગ કરી હતી, જેને આરોપીઓએ કોર્ટમાં પડકાર્યો હતો.