વિશેષ પ્લસ - સંધ્યા સિંહ
થોડા સમય પહેલા સુધી કદાચ યુવા પેઢીને સૂર્યમુખીના ફૂલોની સુંદરતા વિશે ખાસ કોઈ પરવા નહોતી, પરંતુ આજકાલ ફૂલ વેચનારાઓ તેની વધતી જતી માંગને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજકાલના યુવાનો, ખાસ કરીને યુવતીઓ, સૂર્યમુખીના ફૂલોને ખૂબ પસંદ કરી રહી છે અને તેના પ્રત્યે અપાર પ્રેમ દર્શાવી રહી છે. આ જ કારણ છે કે તેની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખરેખર, સૂર્યમુખીના ફૂલોમાં યુવા પેઢીને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે. યુવા વર્ગે સોશ્યલ મીડિયા પર સૂર્યમુખીના આ સુંદર ફૂલ પ્રત્યે ઘણી વખત પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. યુવા પેઢીએ સૂર્યમુખીના મોટા, ચમકદાર અને સુંદર પીળા રંગની સુંદરતાના અનુભવોને ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભેર શેર કર્યા છે અને તેમની ફૂલો સાથેની તસવીરોને અસંખ્ય લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. કેટલીક તસવીરોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘સૂર્યમુખીના ફૂલો આપણને જીવનમાં હંમેશાં સકારાત્મક રહેવાની પ્રેરણા આપે છે.’ આ ફૂલ જે રીતે સૂર્યની દિશાને અનુસરે છે, તે લોકોને જીવનના તેજસ્વી પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપે છે. સૂર્યમુખી એ વાતનો પુરાવો છે કે આપણું જીવન પણ તેજસ્વી અને સુંદર બની શકે છે.
થોડા વર્ષો પહેલા મોટા કદના કારણે અવગણવામાં આવતા સૂર્યમુખીના ફૂલોને આજની યુવા પેઢી ફૂલદાનીમાં સજાવીને તેનું મૂલ્ય વધારી રહી છે. આ ફૂલોને બજારમાંથી ખરીદી લાવીને ફૂલદાનીમાં રાખવા અને તેને નિહાળવાથી, તેમાં રહેલી સકારાત્મકતા કોઈનો પણ દિવસ સુધારી શકે છે. એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે આ યુવા પેઢીએ ગુલાબને થોડું બાજુ પર મૂકીને સૂર્યમુખીની ચમક અને તેના આકર્ષણમાં બંધાઈને તેને પોતાની પ્રથમ પસંદગી બનાવી લીધી છે. આ જ કારણ છે કે આ વય જૂથના યુવાન છોકરાઓ અને છોકરીઓ તેમને એક અદ્ભુત ભેટ તરીકે આપી રહ્યા છે. તેઓ આ ફૂલને કોઈપણના ચહેરા પર સ્મિત લાવવા માટે સક્ષમ માને છે. જો પ્રેમી-પ્રેમિકા એકબીજાને ગુલાબ આપે છે, તો સૂર્યમુખીના ફૂલનો ઉપયોગ પોતાના કોઈ મિત્ર, માતા-પિતા કે સંબંધીને આપવા માટે કરવામાં આવી રહ્યો છે.
મિલેનિયલ્સ અને જેન ઝી ભેટ તરીકે આ ફૂલ તરફ ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે. તેઓ જ આ ફૂલના સાચા કદરદાન સાબિત થઈ રહ્યા છે. આ ફૂલનું મોટું કદ, ચમકદાર રંગ અને મનને ખુશ કરનારા તેના તત્ત્વો મેન્ટલ હેલ્થ સુધારવામાં મદદ કરે છે.
ખરેખર તો, સૂર્યમુખીના ફૂલની વધતી માંગ પાછળનું એક મોટું કારણ તેનો સુંદર પીળો રંગ છે. આ જ કારણ છે કે યુવા પેઢી પોતાની પીઠી અને મહેંદીની રસમના શણગારમાં આ ફૂલનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. પહેલા જ્યાં લિલી, ગુલાબ અને ગલગોટાનું વર્ચસ્વ હતું, તેનું સ્થાન હવે સૂર્યમુખીના ફૂલો લઈ રહ્યા છે. આમાં વેડિંગ ડિઝાઇનરોનું પણ ઘણું યોગદાન છે, જેમણે આ ઉપેક્ષિત ફૂલને નવી સર્જનાત્મકતાથી ભરી દીધું છે અને તેને પ્રિય બનાવ્યું છે.
મિલેનિયલ્સ અને જેન ઝી, જેઓ સુંદરતાના પારખું છે અને જેમને સૌંદર્યશાસ્ત્રની સારી સમજ છે, તેઓ સોશ્યલ મીડિયા પર આ ફૂલને લોકપ્રિય બનાવીને આ તેને ખાસ બનાવી રહ્યા છે. જ્યારે પણ તમે વસંતઋતુમાં પોતાનો અને બીજાનો મૂડ તાજગીભર્યો, સોનેરી અને ઉષ્માભર્યો બનાવવા માંગો છો, ત્યારે સૂર્યમુખીના ફૂલનો વિચાર મગજમાં સૌથી પહેલા આવે છે.
જો તમે પણ સૂર્યમુખીનાં પીળા રંગ અને તેની સુંદરતાથી પોતાને વંચિત રાખી શકતા નથી, તો તમે તમારા ઘરને સૂર્યમુખીનાં ફૂલોથી સજાવી શકો છો
* બજારમાંથી સૂર્યમુખીના ફૂલો ખરીદીને તેની દાંડીઓને ત્રાંસી કાપો અને તેને એક લાંબા સિરામિક ફૂલદાનીમાં સજાવો. દર બે દિવસે પાણી બદલો અને તેને ઘરના એવા ખૂણામાં રાખો જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય પણ ગરમી વધારે ન હોય.
* ઘરે સૂર્યમુખીના ફૂલોને એક ‘મેસન જાર’માં મૂકીને તેને નીલગિરી અથવા ‘બેબીઝ બ્રેથ’ ના ફૂલો સાથે સજાવો.
* ઘરના એક ખૂણાને ‘સૂર્યમુખી કોર્નર’ બનાવીને તે હિસ્સામાં એક પ્રાકૃતિક વાતાવરણ તૈયાર કરી શકાય અને આ ફૂલોને કાચના જગમાં સજાવી શકાય છે. જો તેની આસપાસ લાઈટિંગ લગાવશો તો આ ખૂણો વધુ સુંદર લાગશે.
* જો તમે સૂર્યમુખીના ફૂલને અત્યંત સુંદર માનીને તેનાથી જ તમારી દીવાલને સજાવવા માંગતા હોવ, તો પેપર ક્રાફ્ટ દ્વારા મોટા-મોટા સૂર્યમુખી બનાવીને દીવાલ પર લટકાવી શકો છો.
* સેન્ટર ટેબલ પર રાખવા માટે એક મોટા કાચના જાર અથવા લાકડાની ટોપલીમાં સૂર્યમુખી અને તેના કેટલાક લીલા પાંદડાઓનો ઉપયોગ કરીને તમારા સેન્ટર ટેબલને સજાવી શકો છો.
* સૂર્યમુખીના ફૂલોને એક અઠવાડિયા સુધી તાજા રાખવા માટે તેમને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો, તેમની દાંડીઓને 45 ડિગ્રીના ખૂણે કાપો અને પાણીમાં ફૂલોને સુરક્ષિત રાખતા તત્ત્વો ઉમેરો.
* ઘરને સૂર્યમુખી થીમથી સજાવવા માટે આર્ટિફિશિયલ ફૂલોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્યમુખી થીમવાળા વોલ હેંગિંગ્સ અથવા પેઇન્ટિંગ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.
* પીળા રંગના ઓશિકા અને પડદા પણ ઘરના વાતાવરણને જીવંત બનાવે છે.
* સૂર્યમુખીના ફૂલો ગુચ્છામાં પણ મળે છે. સૂર્યમુખીના દસ ફૂલોથી તમે એક સુંદર બુકે તૈયાર કરી શકો છો. બુકેના વચ્ચે એક મોટું ફૂલ લગાવીને તેની આજુબાજુ નાના ફૂલોને રાખો.
* સૂર્યમુખી લગાવાયેલા ફૂલદાનીને ફળોથી દૂર રાખો, કારણ કે ફળોમાંથી નીકળતો ઇથિલિન ગેસ સૂર્યમુખીના ફૂલોને અકાળે કરમાવી શકે છે.
* ફૂલોને તાજા રાખવા માટે, પાણીમાં થોડો લીંબુનો રસ અથવા એક ચમચી વિનેગર અથવા ખાંડ ઉમેરો.