Mon Jun 08 2026

Logo

સુનેત્રા પવારમાં જોવા મળી અજિત દાદાની ઝલક: હોસ્પિટલમાં અચાનક મુલાકાત લઈ કર્મચારીઓને ખખડાવ્યા

2026-06-08 20:26:28
Author: mumbai samachar team
Article Image

Sunetra Pawar


પુણે: મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમની કડક શિસ્ત, વહીવટી પકડ અને સ્વચ્છતાના આગ્રહ માટે જાણીતા હતા, જેના કારણે બારામતીની સરકારી સંસ્થાઓમાં તેમનો ભારે દબદબો હતો. અજિત પવારના અવસાન બાદ નાયબ મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળનાર સુનેત્રા પવારમાં પણ હવે અજિત દાદા જેવી જ કડક શૈલી જોવા મળ્યા હતા. એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં સુનેત્રા પવાર મહિલા કર્મચારીઓની કામચોરી બદલ તેમને ઠપકો આપતા જોવા મળ્યા હતા.

કોઈ પણ પૂર્વ સૂચના વિના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે રવિવારે બારામતીની સરકારી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને દવાના પુરવઠાની સમીક્ષા કરી તેમ જ દર્દીઓ સાથે વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી. આ સાથે જ તેમણે કામમાં બેદરકારી દાખવતા કર્મચારીઓને કડક ચેતવણી પણ આપી હતી અને તેમને જવાબદારીપૂર્વક અને તાત્કાલિક કામ કરવા સૂચના આપી હતી.

હોસ્પિટલની તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા સુનેત્રા પવારે મહિલા કર્મચારીઓને ખખડાવ્યા હતા, 'આ શું ગંદકી છે, આખો દિવસ શું કરો છો, બસ મોબાઈલ જ જુઓ છો?' એવા શબ્દોમાં સુનેત્રા પવારે હોસ્પિટલની મહિલા કર્મચારીઓને ખખડાવી નાખી હતી.

તેમણે ડોક્ટરો અને અધિકારીઓને પણ કડક ચેતવણી આપી પ્રશાસનને સ્વચ્છતા જાળવવાના નિર્દેશ આપ્યા. સાથે જ સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળે તે માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

આ માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ લોકોની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને વહીવટીતંત્ર પર તેમની પકડ દર્શાવતું પગલું હતું. સુનેત્રા પવારની આ કાર્યશૈલી, શિસ્ત અને તત્પરતામાં લોકોને નાયબ મુખ્ય પ્રધાન અજિતદાદા પવારના વારસા અને પ્રતિબિંબની ઝલક જોવા મળી રહી છે. બારામતીની આરોગ્ય વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમના આ પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.