Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ માટે એવા આકરા નિયમો અમલી બન્યા કે ફફડી જશો, જાણો નવા નિયમ

2026-06-17 10:56:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં  1 મે થી 31 મે દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિયમભંગ કરનારાઓ પાસેથી કુલ રૂ. 5.21 કરોડની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ માટે આકરા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. આ નિયમો વાંચીને વાહન ચાલકો ફફડી ઉઠશે.

જાણો શું છે નવા નવા નિયમ

  • જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  • ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની અંદર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે.
  • આ ફરિયાદ 'ઈ-ચલણ પોર્ટલ' પર જઈને કરવાની રહેશે.
  • જો 45 દિવસમાં કોઈ ફરિયાદ નહીં થાય, તો વાહન માલિક/ડ્રાઇવરે ચલણનો સ્વીકાર કરી લીધો છે તેમ માનવામાં આવશે.
  • જો નિયત સમયમાં દંડ ભરવામાં નહીં આવે, તો દંડ પૂરેપૂરો ન ભરાય ત્યાં સુધી 'વાહન પોર્ટલ' પર વાહનને બ્લોક કરી દેવાશે.
  • જેથી મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ બંધ થઈ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા અટકી જશે. તેમજ આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.
  • જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા તમારી રજૂઆત નકારી દેવામાં આવે, તો વાહનચાલક પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ વિકલ્પમાં આગામી 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરી દેવી પડશે. જ્યારે બીજા વિકલ્પમાં ચલણની રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવી પડશે.

સત્તાવાળાઓએ નાગરિકોને કાનૂની ગૂંચવણો, વાહન સંબંધિત સેવાઓ બ્લોક થવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે બાકી નીકળતા ઈ-ચલણની રકમ વિલંબ વગર ચૂકવી દેવા અપીલ કરી છે. આ સુધારેલા નિયમોનો ઉદ્દેશ્ય ટ્રાફિક દંડની સમયસર પતાવટ સુનિશ્ચિત કરવાનો અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવાનો છે.