(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદ્યાવિહાર (પૂર્વ)માં રસ્તો પહોળો કરવા માટે ચાલી રહેલા ડિમોલિશનના કામ દરમ્યાન લોખંડનો સળિયો પડીને માથા પર વાગતાં ૧૭ વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે જખમી થયો હતો.
આ ઘટના મંગળવારે બપોરે ૩.૫૦ વાગ્યે વિદ્યાવિહારપૂર્વમાં સ્ટેશન રોડ પર, આર.એન. ગાંધી સ્કૂલની સામે આવેલા જંકશન પાસે બની હતી. ધીરેન જૈન તરીકે ઓળખાતા વિદ્યાર્થીને ઘાટકોપરની મહાનગરપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી મુજબ તેને માથા પર મોટો જખમ થયો હોવાથી ૧૫થી ૧૬ જેટલા ટાંક આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર સૌમેયા કોલેજમાં ભણતો ધીરજ જૈન રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે ચાલુ ડિમોલિશનના કામ દરમ્યાન લોખંડનો સળિયો તેના પર વિરુદ્ધ દિશામાંથી આવીને પડયો હતો, જેમાં તેના માથા પર ભારે ઈજા પહોંચી હતી. આ વિસ્તારમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટના ભાગ રૂપે ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું હતું.
