Sun Apr 19 2026

Logo
IPL 2026:

ચેન્નઈ હૅટ-ટ્રિક હાર પછી હૅટ-ટ્રિક જીતથી વંચિતઃ હૈદરાબાદે ન જીતવા દીધું

2026-04-19 00:23:25
Author: Aay Motiwala
Article Image

કિશન ઍન્ડ કંપનીનો પોતાના જ ગઢના રોમાંચક મુકાબલામાં 10 રનથી વિજય

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 9/194) શનિવારે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (20 ઓવરમાં 8/184)ને 10 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા નંબર પર આવી ગયું હતું. બીજી બાજુ, ચેન્નઈ (Chennai)ની ટીમ છેક આઠમા નંબરે રહી હતી. ચેન્નઈની ટીમ ઉપરાઉપરી ત્રણ હાર જોયા બાદ પછીથી બે મૅચ જીતીને હૈદરાબાદ (Hyderabad) સામે રમવા આવી હતી, પણ હૅટ-ટ્રિક જીતથી વંચિત રહી ગઈ હતી. હૈદરાબાદના પેસ બોલર એશાન મલિન્ગાએ ત્રણ, નીતીશ કુમાર રેડ્ડીએ બે તેમ જ પેસ બોલર સાકિબ હુસૈન, બીજા પેસ બોલર પ્રફુલ હિન્ગે તેમ જ લેફ્ટ-આર્મ સ્પિનર શિવાંગ કુમારે એક-એક વિકેટ મેળવી હતી.

16મી ઓવરમાં ચેન્નઈના મૅથ્યૂ શૉર્ટ (30 બૉલમાં 34 રન) અને 17મી ઓવરમાં શિવમ દુબે (16 બૉલમાં 21 રન)ની વિકેટ પડી એ સાથે ચેન્નઈના વિજયની આશા ઓસરી ગઈ હતી. શૉર્ટની વિકેટ એશાન મલિન્ગાએ અને દુબેની સાકિબ હુસૈને લીધી હતી. અગાઉ 13મી એપ્રિલે રાજસ્થાન સામેની મૅચમાં ચાર વિકેટ લઈને સનસનાટી મચાવનાર પેસ બોલર પ્રફુલ હિન્ગેને પહેલાં તો 54 રનમાં એકેય વિકેટ નહોતી મળી, પણ છેલ્લી ઓવરમાં એક વિકેટ લેવામાં સફળ થયો હતો. તેની પહેલી ત્રણ ઓવરમાં 18.00ના અત્યંત ખરાબ ઇકોનોમી રેટથી રન બન્યા હતા. જોકે તેણે મૅચની અંતિમ ઓવરમાં ચેન્નઈને 18 રન નહોતા કરવા દીધા અને એક વિકેટ પણ મેળવી હતી. મૅચની અંતિમ ક્ષણોમાં જૅમી ઓવર્ટન (16 રન) તેમ જ અંશુલ કમ્બોજ (13 અણનમ) ચેન્નઈને નહોતા જિતાડી શક્યા. આ વખતની ટૂર્નામેન્ટનો પ્રથમ સેન્ચુરિયન સંજુ સૅમસન ફક્ત સાત રન બનાવ્યા બાદ નીતીશ રેડ્ડીના બૉલમાં આઉટ થઈ ગયો હતો. આયુષ મ્હાત્રેનો 30 રનનો અને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડનો ફક્ત 19 રનનો ફાળો હતો.

એ પહેલાં, હૈદરાબાદે નવ વિકેટે 194 રન કર્યા હતા. હૈદરાબાદને ઓપનર અભિષેક શર્મા (59 રન, બાવીસ બૉલ, ચાર સિક્સર, છ ફોર)એ જે ધમાકેદાર શરૂઆત અપાવી હતી એના પર ચેન્નઈના પેસ બોલર્સે બ્રેક લગાવી હતી. 194 રનમાં અભિષેક શર્મા ઉપરાંત હિન્રિક ક્લાસેન (59 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા.

અભિષેક અને ટ્રૅવિસ હેડ (23 રન) વચ્ચે 75 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ચેન્નઈના પેસ બોલર અંશુલ કમ્બોઝ અને જૅમી ઓવર્ટને સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ તથા ત્રીજા પેસ બોલર મુકેશ કુમારે બે વિકેટ લીધી હતી. એ અગાઉ, ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. અનફિટ હોવાને કારણે એમએસ ધોની આ મૅચમાં પણ નહોતો રમ્યો.

રવિવારે કયા બે મુકાબલા?

કોલકાતા વિરુદ્ધ રાજસ્થાન
(કોલકાતા, બપોરે 3.30)

પંજાબ વિરુદ્ધ લખનઊ
(ન્યૂ ચંડીગઢ, સાંજે 7.30)