નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં પાછલા કેટલાક સમયથી આઇટી શેરોમાં જોરદાર વેચવાલી અને ધોવાણ થઇ રહ્યું છે. આર્ટિફિશિઅલ ઇન્ટેલિજેન્સના વિક્ષેપની અટકળોને આધારે આ ધોવાણ આગળ પણ વધી રહ્યું છે. જોકે, બુધવારના સત્રમાં એકાએક રિન્યુએબલ એનર્જી અને સોલાર શેરોમાં ધોવાણ શરૂ થતાં રોકાણકારો ઊંધતા ઝડપાયા છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પછડાટ ખાધા બાદ ડોનલ્ડ ટ્રમ્પે ઉચ્ચારેલી ચીમકી જાણે સાચી પાડવી હોય એમ તેણે એક નવો ફતવો બહાર પાડ્યો અને તેને કારણે વારી એનર્જી અને પ્રીમિયર એનર્જીના શેરમાં ૧૪ ટકાથી વધુ મોટા કડાકા જોવા મળ્યા હતા. સત્ર પુરુ થવા સુધી આ શેરોમાં ઊથલપાથલ ચાલુ રહેશે.
અમેરિકાએ અમુક ભારતીય સૌર ઉત્પાદનોની આયાત પર ૧૨૫.૮૭ ટકાની પ્રારંભિક કાઉન્ટરવેલિંગ ડ્યુટી જાહેર કર્યા પછી બુધવારે સૌર ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓના શેર ગબડ્યા હતા. બીએસઇ પર વારી એનર્જીનો સ્ટોક ૧૪.૯૯ ટકા, પ્રીમિયર એનર્જીનો સ્ટોક ૧૪.૨૩ ટકા, વિક્રમ સોલારનો ૭.૪૭ ટકા અને સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જીનો સ્ટોક ૧.૪૧ ટકા ઘટ્યો હતો.
ટેરિફના એક અલગ વિકલ્પ તરીકે અમેરિકાએ અમુક ભારતીય સૌર ઉત્પાદનોની આયાત પર ૧૨૫.૮૭ ટકાની પ્રારંભિક કાઉન્ટરવેલિંગ ડ્યુટી જાહેર કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નવી દિલ્હી દ્વારા ઉત્પાદનોને અન્યાયી રીતે સબસિડી આપવામાં આવી રહી છે.
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક (લાઓસ)ના સ્ફટિકીય સિલિકોન ફોટોવોલ્ટેઇક કોષો, મોડ્યુલો (સૌર કોષો)માં એસેમ્બલ થયા છે કે નહીં, તેની કાઉન્ટરવેલિંગ ડ્યુટી તપાસમાં તેના પ્રારંભિક હકારાત્મક નિર્ણયોની જાહેરાત કરી હોવાનું એક યુએસ ઓર્ડરમાં જણાવાયું છે.
આ ડ્યુટીઓ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૨૪ ફેબ્રુઆરીથી બધા દેશો પર જાહેર કરાયેલા ૧૦ ટકા ટેરિફથી અલગ એટલે કે ઉપરાંતની છે. આ આદેશમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતથી અમેરિકામાં સૌર ઊર્જાની આયાત ૨૦૨૨માં ૮૩.૮૬ મિલિયન ડોલરથી વધીને ૨૦૨૪માં ૭૯૨.૬ મિલિયન ડોલર થઈ ગઈ.