જ્યારે આપણે માઉન્ટેન, મોટું મકાન કે મિત્રોનો મોટો ગ્રુપ ફોટો લેવો હોય ત્યારે સામાન્ય કેમેરાથી આખો નજારો એક ફ્રેમમાં ક્લિક કરી શકાતો નથી. પરંતુ ફોનમાં આપેલા 'વાઈડ એન્ગલ' કેમેરાને ઓન કરતા જ આખી ફ્રેમ એક જ ફોટામાં કેપ્ચર થઈ જાય છે. આ જ કારણ છે કે આજના આધુનિક સ્માર્ટફોનમાં માત્ર એક નહીં, પરંતુ બે કે ત્રણ કેમેરા આપેલા હોય છે. દરેક કેમેરાનું પોતાનું એક ખાસ અને અલગ કામ હોય છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વિસ્તારથી વાત કરીશું અને જાણીશું કે કયા કેમેરાની શું સ્પેશિયાલિટી છે...
દરેક કેમેરાનું અલગ કામ અને તેનો ઉપયોગ:
પ્રાઈમરી કેમેરા:
આ ફોનનો મુખ્ય કેમેરો છે, જે રોજિંદા ફોટોગ્રાફી માટે સૌથી ઉત્તમ છે. તેમાં સૌથી વધુ મેગાપિક્સેલ (MP) અને લાઈટ સેન્સિંગ પાવર હોય છે, જેનાથી સામાન્ય લાઈટમાં પણ ફોટો ક્લિયર આવે છે.
અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરા:
જ્યારે બહુ મોટો એરિયા, પહાડો કે મોટા ગ્રુપનો ફોટો લેવો હોય ત્યારે આ કેમેરો ઉપયોગી બને છે. તે એક જ જગ્યાએ ઊભા રહીને વધુ એરિયા આવરી લે છે.
ટેલિફોટો કેમેરા:
દૂરની વસ્તુ, ચાંદ કે દૂર ઉભેલી વ્યક્તિનો ફોટો લેવા માટે આ કેમેરો વપરાય છે. મુખ્ય કેમેરાથી ઝૂમ કરવાથી ફોટો બ્લર (ઝાંખો) થઈ જાય છે, જ્યારે ટેલિફોટો કેમેરો ઝૂમ કરવા છતાં ફોટોની ક્વોલિટી જાળવી રાખે છે.
મેક્રો કેમેરા:
અત્યંત નજીકથી નાની વસ્તુઓ (જેમ કે ફૂલ, જીવજંતુ કે અક્ષરો) નો ડિટેલ ફોટો લેવા માટે મેક્રો કેમેરો બનાવવામાં આવે છે.
ડેપ્થ કેમેરા:
આ કેમેરો પોતે ફોટો નથી પાડતો, પરંતુ સબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડ વચ્ચેનું અંતર માપે છે. આ જ કેમેરાની મદદથી પોટ્રેટ મોડ (Portrait Mode) માં બેકગ્રાઉન્ડ બ્લર થાય છે અને ચહેરો એકદમ શાર્પ દેખાય છે.
કેમેરાની સંખ્યા વધારે હોવી એ સારી ફોટોગ્રાફીની ગેરંટી નથી!
ઘણીવાર ઈ-કોમર્સ કે સ્માર્ટફોન કંપનીઓ માર્કેટિંગ માટે ફોનમાં ત્રણથી ચાર કેમેરા આપી દે છે, પરંતુ તેમાંથી માત્ર એક કે બે કેમેરા જ સારી ક્વોલિટીના હોય છે. બાકીના 2 મેગાપિક્સેલના કેમેરા માત્ર નામના જ હોય છે. તેથી નવો ફોન ખરીદતી વખતે માત્ર કેમેરાની સંખ્યા ન જોતાં, દરેક કેમેરાના મેગાપિક્સેલ, સેન્સર અને ક્વોલિટી ચકાસવી જરૂરી છે.
છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરો. આવી જ બીજી ટેકવર્લ્ડની મહત્ત્વની અપડેટ્સ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.