મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચે બહુપ્રતિક્ષિત દેશની પહેલી હાઈસ્પીડ બુલેટ ટ્રેન હવે આવતાં વર્ષે એટલે કે 2027માં પાટા પર દોડતી જોવા મળી શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા તરીકે સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન સેવા 2027માં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તેની સાથે જ ભારતના હાઈસ્પીડ રેલ યુગની સત્તાવાર રીતે શરૂઆત થશે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ આશરે 508 કિલોમીટર છે. સમગ્ર પ્રોજેક્ટને તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે. પ્રથમ તબક્કો ગુજરાતમાં શરૂ થવાનો હોવાથી બુલેટ ટ્રેનના આગમનનું સૌથી પહેલું સાક્ષી ગુજરાત બનશે. ત્યારબાદ સેવા ધીમે ધીમે અમદાવાદ અને અંતે મુંબઈ સુધી લંબાવવામાં આવશે.
રેલવે મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રથમ હાઈસ્પીડ રેલ સેવા ઓગસ્ટ 2027માં શરૂ થવાની અપેક્ષા છે. અગાઉ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 15 ઓગસ્ટ 2027 સુધીમાં બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાને શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. એટલે કે આવતા વર્ષે સ્વતંત્રતા દિવસની આસપાસ દેશને તેની પહેલી બુલેટ ટ્રેન મળવાની શક્યતા છે.
Bharat’s first Bullet Train is taking shape ⚡🚄
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 11, 2026
Electrification works are progressing across the 508 km Mumbai–Amdavad corridor, marking another major step in the project. pic.twitter.com/C0kzwZ3IEf
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે તેની ડિઝાઇન સ્પીડ 350 કિમી પ્રતિ કલાક સુધીની છે. જાપાનની શિંકાન્સેન ટેક્નોલોજી અને ઓપરેશનલ પદ્ધતિઓના આધારે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક સિગ્નલિંગ, ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અને વીજળીની વ્યવસ્થા સાથે આ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર કોરિડોર કાર્યરત થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ આશરે 1 કલાક 58 મિનિટમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હાલમાં આ બે મોટા શહેરો વચ્ચેના લાંબા પ્રવાસની સરખામણીમાં બુલેટ ટ્રેન મુસાફરીના સમયમાં મોટો ઘટાડો લાવશે. આ પ્રોજેક્ટથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રોને પણ ઝડપી કનેક્ટિવિટી મળશે.મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈના બીકેસી, થાણે, વિરાર અને બોઈસરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન રહેશે.
આ તમામ સ્ટેશનોને શહેરો અને મહત્વના ઔદ્યોગિક તથા વ્યાપારી વિસ્તારો સાથે જોડવામાં આવી રહ્યા છે. સાબરમતી સ્ટેશનને બુલેટ ટ્રેન ઉપરાંત મેટ્રો, બીઆરટીએસ અને રેલવે નેટવર્ક સાથે જોડાયેલા મહત્વના ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી એન્જિનિયરિંગ વિશેષતા મુંબઈ નજીકની સમુદ્રની નીચેની રેલવે ટનલ છે. આ ઉપરાંત મુંબઈ વિસ્તારમાં પર્વતીય વિસ્તારમાં અને અન્ય ટનલનું કામ પણ ચાલી રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટમાં એલિવેટેડ વાયાડક્ટ, મોટા પુલો, ટનલ અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
માર્ચ 2026ની સરકારી માહિતી અનુસાર સમગ્ર 508 કિમીના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વિવિધ માળખાકીય કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. પિયર્સ, ગર્ડર, ટ્રેક બેડ અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનના કામમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. આ રીતે જો નિર્ધારિત સમયપત્રક મુજબ કામ આગળ વધે છે, તો 2027 ભારતના રેલવે ઈતિહાસ માટે ઐતિહાસિક વર્ષ બની શકે છે. આવતા વર્ષે સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનની શરૂઆત સાથે ભારત હાઈસ્પીડ રેલવેના નવા યુગમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ આ સેવા ધીમે ધીમે અમદાવાદથી મુંબઈ સુધી વિસ્તારવામાં આવશે.