Mon Sep 07 2026

Logo

લાલ કિલ્લા પર પ્રોટોકોલ વિવાદમાં રાહુલ ગાંધી અને ખડગેની સમારોહથી દૂરી! સરકારે UPA નો દાખલો આપ્યો

2026-08-15 19:27:02
Author: Devayat Khatana
લાલ કિલ્લા પર પ્રોટોકોલ વિવાદમાં રાહુલ ગાંધી અને ખડગેની સમારોહથી દૂરી! સરકારે UPA નો દાખલો આપ્યો

નવી દિલ્હી: ભારતમાં આજે દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર આયોજિત ઐતિહાસિક સમારોહમાંથી લોકસભા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાઓ અનુક્રમે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગેરહાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આ કાર્યક્રમથી અંતર જાળવી રાખ્યું હતું. જોકે, આ વખતે વિવાદ ટાળવા માટે સરકાર વતી સંરક્ષણ મંત્રાલયે અગાઉની UPA સરકારોના કાર્યકાળ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા તત્કાલીન વિપક્ષી નેતાઓને ફાળવવામાં આવેલી બેઠકોની યાદી કોંગ્રેસ પક્ષને મોકલી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે અગાઉની સરકારોની બેઠક વ્યવસ્થાના દાખલા સાથે કોંગ્રેસના ટોચના નેતાઓનો સંપર્ક સાધ્યો હતો. તેમ છતાં, કોંગ્રેસ નેતૃત્વ સરકારના આ તર્ક સાથે સહમત થયું ન હતું અને તેમણે લાલ કિલ્લાના કાર્યક્રમમાં હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી અને ખડગે બંને 'અયોગ્ય પ્રોટોકોલ'ના કારણે આ સમારોહમાં જોડાયા નહોતા. તેમના મતે આયોજન સ્થળે બેઠક વ્યવસ્થા અને અન્ય ઔપચારિક પ્રોટોકોલ તેમની બંધારણીય સ્થિતિને અનુરૂપ નહોતા.

નોંધનીય છે કે વર્ષ 2024માં પણ આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો, જ્યારે કેબિનેટ રેન્કનો દરજ્જો ધરાવતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં છેલ્લેથી બીજી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. આ વિવાદ બાદ કોંગ્રેસના નેતાઓએ આવા સરકારી કાર્યક્રમોથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે પણ સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બીજી કે ત્રીજી હરોળમાં બેઠક ફાળવવામાં આવી હતી, તેમજ નિર્ધારિત સ્થળ સુધી ચાલીને જવામાં પણ મુશ્કેલી ઊભી થાય તેમ હતી.

બીજી તરફ, લાલ કિલ્લાના કાર્યક્રમમાં ન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલય 'ઇન્દિરા ભવન' ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહને સંબોધતા ખડગેએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો અવાજ સાંભળવો અને પ્રશ્નોના જવાબો આપવા અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ દિવસ માત્ર આઝાદીના ઈતિહાસને યાદ કરવાનો નથી, પરંતુ સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલા ભારતના સપના કેટલા સાકાર થયા છે તેનું આત્મમંથન કરવાનો પણ અવસર છે.