Mon Oct 05 2026

Logo

કાશ્મીરમાં કાળઝાળ ગરમી તો ગુજરાતમાં મિશ્ર વાતાવરણ, દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ

2026-10-05 08:03:00
Author: Mayur Patel
કાશ્મીરમાં કાળઝાળ ગરમી તો ગુજરાતમાં મિશ્ર વાતાવરણ, દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ

Ai Image


અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. જ્યારે દેશના 15 રાજ્યોમાં હવામાન વિભાગે મૂશળધાર વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે, જેના કારણે લોકોને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરે તડકા સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાઈ રહેલા પવનોના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં આજે રાજ્યનું તાપમાન 36 થી 37ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  કાશ્મીરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને કેટલાક શહેરોમાં ગરમીએ ઓક્ટોબર મહિનાના સર્વોચ્ચ તાપમાનનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઈડનો ખતરો છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન 

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલે કે બપોરે રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. જ્યારે રાત્રે અને વહેલી સવારે આંશિક રીતે ઠંડી વર્તાશે. આ ઉપરાંત આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં આ જ પ્રકારનું હવામાન રાત્રે, સવારે અને બપોરે રહી શકે છે. રાજ્યમાં 5થી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં બપોરે ગરમી યથાવત રહી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. જોકે રાત્રીના સમયે આંશિક રીતે ઠંડીનો અનુભવ થઈ શકે છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 22થી 26 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે. 

કાશ્મીરમાં ઓક્ટોબરની ગરમી જોઈ લોકો આશ્ચર્યચકિત

ઓક્ટોબર શરૂ થતાં જ કાશ્મીરમાં ઠંડીનો અહેસાસ થવો જોઈતો હતો, પરંતુ આ વખતે ગરમીએ સૌને ચોંકાવી દીધા છે. રવિવારે કાશ્મીરમાં ઓક્ટોબરની તીવ્ર ગરમી જોવા મળી હતી. શ્રીનગરથી લઈને કાઝીગુંડ, કોકરનાગ અને ગુલમર્ગ સુધી હવામાનનો મિજાજ સામાન્ય કરતાં ઘણો વધુ ગરમ રહ્યો હતો. ગુલમર્ગથી કાઝીગુંડ સુધી તાપમાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા.

શ્રીનગરમાં 31.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઓક્ટોબરનું બીજું સૌથી વધુ તાપમાન છે. તેણે 2 ઓક્ટોબર, 2008ના રોજ નોંધાયેલા અગાઉના ઓક્ટોબરના સૌથી વધુ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ  ને પાછળ છોડી દીધું. ઓક્ટોબરનો અત્યાર સુધીનો સર્વકાલીન રેકોર્ડ 33.9 ડિગ્રી સેલ્સિયસ  છે, જે 2 ઓક્ટોબર, 1931ના રોજ નોંધાયો હતો. આ 

કાઝીગુંડમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જેણે 1 ઓક્ટોબર, 1985ના રોજ નોંધાયેલા 31.2 ડિગ્રી સેલ્સિયસના પાછલા અને ઓલ-ટાઇમ ઓક્ટોબર રેકોર્ડને તોડી નાખ્યો હતો. તાપમાન સામાન્ય કરતાં 7.3 ડિગ્રી સેલ્સિયસ  વધુ હતું, જેથી તે કાઝીગુંડમાં અત્યાર સુધીનો ઓક્ટોબરનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. ઓક્ટોબરમાં કાશ્મીરમાં તાપમાન ધીમે-ધીમે ઘટવું એ સામાન્ય પ્રક્રિયા ગણાય છે. પરંતુ આ વખતે ખીણના મેદાની વિસ્તારોથી લઈને ઊંચાઈવાળા વિસ્તારો સુધી ગરમીની અસર જોવા મળી રહી છે.