Sun Aug 23 2026

Logo

એક મુસ્લિમ સૂફી કવિએ લખ્યા છે 'કાનુડો કાળો કાળો...' અને 'ભાઈ તું તો ભજી લેને કિરતાર' જેવા અમર ભજનો!

2026-08-15 22:32:44
Author: Devayat Khatana
Article Image

ગુજરાતમાં કે કાઠીયાવાડમાં લોક ડાયરાની રંગત હોય કે કોઈ ભજનની માજમ રાત જામી હોય ત્યારે અમુક રચનાઓની જો પ્રસ્તુતિ ન થાય તો તેની રંગતમાં કચાશ રહી ગઇ છે તેમ માનવું પડે. 'કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી', 'ભાઈ તું તો ભજી લેને કિરતાર', 'અમને અડશોમાં અભડાશો!', મન કો કરદે મુસલમાન, મેરી નીંદ ગઇ મોહે ચેન નહિ ગયે કાન કુબઝા પાસ જેવા ગોપી વિરહના ભાવ અચૂક ગવાઈ છે. પણ શું તમે જાણો છો કે ઉપરથી જોતાં કોઈ હિન્દુ સંત કવિનો ભાવ જએવી લાગતી આ રચનાઓના રચયિતા કોણ છે? 

કાનુડો કાળો કાળો ને રાધા છે ગોરી ગોરી તેમજ ભાઈ તું તો ભજી લેને કિરતાર જેવી રચનાઓથી લગભગ કોઈ અજાણ હોય તેવું માનવું થોડું અઘરું છે. જેને સૌરાષ્ટ્ર, ગુજરાત કે કચ્છના ભજનોમાં રસ પડે છે તેણે સવારના સમયે બ્રહ્મલીન નારાયણ સ્વામીના કંઠેથી આ ભજનો અચૂક સાંભળ્યા હશે. ઉપરથી આ રચનાઓ જોતાં તેવું લાગે કે આ રચનાઓ કોઈ હિન્દુ સંત કવિની હશે પણ આ રચનાઓના રચયિતા છે ગુજરાતના ખૂબ જ ખ્યાત સૂફી સંતકવિ છે. તેમનું નામ છે દાસ સત્તાર.  તેણે દાસ સત્તારના ભજનોને નારાયણ સ્વામીના કંઠે અચૂક સાંભળ્યા 

ગુજરાતની સંત પરંપરામાં દાસ સત્તાર મુઠ્ઠી ઊંચેરું  નામ છે. દાસ સત્તાર જન્મ હાલના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુસ્લિમ પઠાણ પરિવારમાં ખેસ્ત ગુલખાન અને જાનબેગમને ત્યાં થયો હતો. દાસ સત્તારના પિતાને રાજપીપળા દેશી રાજ્યમાં પઠાણબેડાના જમાદારની નોકરી હતી, જો કે દાસ સત્તારના જન્મના  ત્રણ માસની અંદર જ તેમના પિતાનું અવસાન થયું હતું. આથી તેમનો ઉછેર તેમના માતા દ્વારા થયો. તેમના માતા ધાર્મિકવૃતિના હતા, ધાર્મિકવૃતિના આ વારસાના મૂળ તેમના મોસાળમાં પડેલા હોવાનું પણ માનવામાં આવે છે. માતાના  ઉછેરને કારણે દાસ સત્તારને આધ્યાત્મિક સંસ્કારો મળ્યા. 

સત્તાર સાહેબ નાનપણથી એક સારા ગાયક હતા આથી તેમણે દેશી નાટક સમાજ મંડળી સાથે કામ કર્યું હતું. જો કે આ નોકરી તેમને માફક આવી નહોતી, આથી તેઓ થોડા સમય બાદ તેમાંથી છૂટા થયા. ત્યારબાદ તેમણે ભજનિક ગાયક તરીકેનું કામ શરૂ કર્યું. આ દરમિયાન તેમના જીવનનો અતિ મહત્વનો વળાંક આવ્યો  અને તે હતો વડોદરા મુકામે વિસનગરના સૂફી સંત અનવરમિયાં સાહેબ સાથે તેમની મુલાકાત થઈ. 

સૂફી સંત અનવરમિયાં સાથેની તેમની મુલાકાતે સત્તાર સાહેબની આંખ ઉઘડનારી સાબિત થઈ હતી. આ મુલાકાત બાદ દાસ સત્તારને ભક્તિના ઘેરા  રંગ લાગ્યા હતા. ત્યારબાદ તેમણે  છોટા ઉદેપુર ખાતે ચિશ્તિયા નિઝામી પંથના સૂફી સંત દાદામિયાં સાહેબને હાથે ફકીરીની દીક્ષા લીધી હતી.  

અમને અડશો ના અભડાશો....
દાસ સત્તારના જીવનનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. જાતિ-જ્ઞાતિના દૂષણે ભારતીય સંતોને દૂભવ્યાં છે, આવો જ એક કિસ્સો દાસ સત્તારના જીવન સાથે પણ જોડાયેલો છે. દાસ સત્તાર એકવાર ભજન માટે ગયા હતા, ત્યારે તબલા વાદક આવી શક્યા નહિ, આથી દાસ સત્તારે અન્ય કોઈ તબલા વાદકને બોલાવવા માટે કહ્યું તો લોકોએ તેની કથીત નીચી જાતિની વાત કરી હતી. આ વાતથી દુભાઈને દાસ સત્તાર ત્યાંથી ઊભા થઈ ગયા અને લોકોએ જેની વાત કરી હતી તેને ત્યાં જઈને ભજનો કરેલા. આ દરમિયાન તેમના મનમાં સ્ફુરેલા ભાવને શબ્દો આપી એક અદભૂત રચના આપી હતી. તે રચનાના શબ્દો હતા, 'અમને અડશો ના અભડાશો, પછી ના'વાને કયા જાશો? અમને અડશો ના અભડાશો...."દાસ સત્તારે ઈ. સ. 1966માં રાજપીપળા મુકામે અંતિમ શ્વાસ લીધા હતા.

દાસ સત્તારે અનેક અમર રચનાઓ આપી છે. તેમાંની એક રચના છે, 
'હૃદયમાં વસ્તુ છે અણમોલ, વસ્તુ છે અણમોલ હૃદયમાં વસ્તુ છે અણમોલ.
તારારે ઘટમાં પીયુજી બીરાજે જો તું અતરપટ ખોલલી.'

શ્રી સદગુરુ આવો રે, શાંતિ સૃષ્ટિમાં કરવા,
દયા ઉરે લાવો રે, બાળ તણા દુ:ખને હરવા....

ભાઈ તું તો ભજી લેને કિરતાર....ભાઈ.
મોંઘો મનુષ્યદેહ તને ફરી નહીં મળે વારંવાર... ભાઈ

કાનુડો કાળો કાળો ને રાધા ગોરી ગોરી,
એક છે નવલકિશોર ને એક છે નવલકિશોરી.