Tue Aug 18 2026

Logo

પહેલી ટેસ્ટના પ્રારંભિક દિવસે પડિક્કલની પ્રથમ સેન્ચુરીઃ ભારતના બે વિકેટે 288

Galle   2026-08-15 21:25:07
Author: Ajay Motiwala
Article Image

PTI


ગૉલઃ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ (સવારે 10.00 વાગ્યાથી લાઇવ)માં શનિવારે પહેલા દિવસે વરસાદ (Rain)ના વિઘ્નો અને નબળા પ્રકાશને લીધે ઓછી થયેલી રમતમાં ભારતે પ્રથમ દાવમાં બે વિકેટે 288 રન કર્યા હતા. દેવદત્ત પડિક્કલ (131 નૉટઆઉટ, 178 બૉલ, એક છગ્ગો, બાર ચોગ્ગા) સિરીઝના આ પ્રારંભિક દિનનો (ભારત માટે 80મા આઝાદી દિનનો) સુપરહીરો હતો. તેણે પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય મૅચમાં સદી ફટકારીને ભારતને શ્રેણીની શરૂઆતમાં જ મજબૂત પકડ અપાવી હતી.

પડિક્કલ (Padikkal)એ પ્રથમ કક્ષાની મૅચોમાં નવ અને આઇપીએલમાં એક સેન્ચુરી કરી છે, પરંતુ ભારત વતી ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડ પર તે પહેલી જ વખત 100 રન સુધી પહોંચ્યો છે. સાઇ સુદર્શન પગના અંગૂઠાની ઈજાને કારણે સિરીઝમાં નથી રમવાનો અને તેના સ્થાને પડિક્કલને મોકો મળ્યો છે જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો. ભારતના વનડાઉન બૅટ્સમૅને ટેસ્ટ સદી ફટકારી હોય એવું 20 ટેસ્ટ બાદ પહેલી વખત બન્યું છે. પડિક્કલે 81મા બૉલ પર હાફ સેન્ચુરી અને 134મા બૉલ પર સેન્ચુરી પૂરી કરી હતી.

PTI

શનિવારે મેઘરાજા નડશે એવી આગાહી હતી જે સાચી પડી હતી. વરસાદને કારણે મૅચમાં બે વખત મોટા અંતરાય આવ્યા હતા અને દિવસ દરમ્યાન 90ને બદલે માત્ર 73 ઓવર બોલિંગ થઈ શકી હતી. શ્રીલંકાના સ્પિનર્સને પ્રથમ દિવસે ગૉલ (Galle)ની પિચમાંથી જોઈએ એવી મદદ ન મળી એટલે ભારતીય બૅટ્સમેનો ફાવી ગયા. યજમાન ટીમના છ બોલરમાંથી માત્ર સ્પિનર પ્રભાત જયસૂર્યાને 77 રનમાં એક વિકેટ મળી હતી. બીજા સ્પિનર કેશારા નુવાન્થા સૌથી ખર્ચાળ હતો અને તેને 98 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

દેવદત્ત પડિક્કલ આ પહેલાં છેક 2024માં બે ટેસ્ટ રમ્યો હતો. એ બે ટેસ્ટ અનુક્રમે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાસ સામે રમાઈ હતી. તેણે શનિવારે બે વખત ભારતનો ધબડકો રોક્યો હતો. તેની સાથે રિષભ પંત 27 રને રમી રહ્યો હતો. પંતે 36 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. વાઇસ કેપ્ટન કે. એલ. રાહુલ (77 રને રિટાયર હર્ટ, 162 બૉલ, એક સિક્સર, નવ ફોર)નું પણ ભારતના 288 રનના સ્કોરમાં મહત્ત્વનું યોગદાન હતું. તેની અને પડિક્કલ વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી.

ભારતે બૅટિંગ લીધા બાદ સાધારણ શરૂઆત કરી હતી, પરંતુ 11મી ઓવરમાં 47મા રને ઓપનર યશસ્વી જયસ્વાલે (32 રન, 37 બૉલ, પાંચ ચોગ્ગા) વિચિત્ર સ્થિતિમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. યશસ્વી અને કે. એલ. રાહુલ વચ્ચેની ઓપનિંગ પાર્ટનરશિપ ધીમે-ધીમે મજબૂત થઈ રહી હતી ત્યારે 11મી ઓવરના છેલ્લા બૉલમાં યશસ્વી રનઆઉટ થઈ ગયો હતો.

રાહુલના શૉટમાં બૉલ બોલરની જમણે મિડ-ઑન તરફ મોકલ્યો હતો. રાહુલે રન દોડવાની શરૂઆત કરી હતી, પરંતુ જરાક અટકી ગયો હતો. સામા છેડે યશસ્વીએ પણ દોડવાનું શરૂ કર્યું હતું, પણ બૉલ અટકાવવા ડાઈવ મારનાર બોલર સાથે અથડાઈ જતા યશસ્વી સંતુલન ગુમાવી બેઠો હતો. પળવારમાં બંને બૅટ્સમેન નૉન-સ્ટ્રાઈકર્સ એન્ડ પર ભેગા થઈ ગયા હતા. પ્રભાત જયસૂર્યાએ બૉલ લઈને વિકેટકીપર ડિકવેલા તરફ ફેંક્યો હતો અને ડિકવેલાએ જરાક ફમ્બલ થયા બાદ બેલ્સ ઉડાડી દીધી હતી. કમનસીબે યશસ્વીએ પૅવિલિયનમાં પાછા આવી જવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલ રિટાયર રર્ટ થયો હતો અને કૅપ્ટન શુભમન ગિલે તેના 16મા રને વિકેટ ગુમાવી હતી.