Fri Oct 16 2026

Logo

બીએમસીના આર્થિક કારભાર પર વાઈટ પેપર કાઢો: કૉંગ્રેસ

2026-10-15 23:31:00
Author: Sapna Desai
બીએમસીના આર્થિક કારભાર પર વાઈટ પેપર કાઢો: કૉંગ્રેસ

છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસીની એફડીમાં ૧૩,૭૮૫ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીનાં તળિયાં દેખાઈ રહ્યાં હોવાના અહેવાલ વચ્ચે કૉંગે્રેસ પાલિકાના આર્થિક કારભાર પર વાઈટ પેપર કાઢવાની માગણી કરી છે અને મેયરને આ બાબત હસ્તક્ષેપ કરીને વિશેષ સભા બોલાવવાની પણ માગણી કરી છે. એશિયાની સૌથી ધનાઢ્ય ગણાતી પાલિકાની એક સમયે ફિક્સ ડિપોઝિટ ૯૧,૦૦૦ કરોડ રૂપિયા હતી, તેમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૩,૭૮૫ હજાર કરોડ રૂપિયા અને આઠ મહિનામાં ૩,૫૪૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

મુંબઈ મહાનગર પાલિકામાં કૉંગ્રેસ દ્વારા પાલિકાના આર્થિક કારભાર સામે શંકા ઉપસ્થિત કરવામાં આવી છે. પાલિકામાં ચાર વર્ષ સુધી પ્રશાસકનો કારભાર રહ્યો હતો આ દરમ્યાન છેલ્લાં ચાર વર્ષમાં લગભગ ૨.૪૪ લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેકટના કામ હાથમાં લેવામાં આવ્યા  હતા. હવે આ કામના બિલ ચૂકવવાનો સમય આવી ગયો છે. ચાલુ આર્થિક વર્ષમાં કૉન્ટ્રેક્ટરોને લગભગ ૮,૦૦૦ કરોડ રૂપિયાના બિલ ચૂકવવાના છે, ત્યારબાદ આગામી સાતથી આઠ વર્ષ સુધી દર વર્ષે લગભગ ૨૮,૦૦૦ કરોડ રૂપિયાના બિલ ચૂકવવા પડવાના છે. ત્યારે પાલિકા પ્રશાસને પ્રત્યેક પ્રોજેક્ટ માટે દર વર્ષે કેટલી રકમ ચૂકવવી પડવાની અને તે માટે ભંડોળ કયાંથી  લાવવાની છે, તેની સ્પષ્ટતા કરવાની માગણી પણ કરવામાં આવી છે.

હાલ ચાલી રહેલા પ્રોજેક્ટમાં વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ, સિમેન્ટ-કૉંક્રીટનો રોડ પ્રોજેક્ટ, સાત સ્યૂએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) અને આ ગંદા પાણી પર પ્રક્રિયા કર્યા બાદ તેનું વહન કરવા માટે અંડરગ્રાઉન્ડ ટનલ અને અન્ય મહત્ત્વના વોટર પ્રોેજેક્ટનો સમાવેશ થાય છે. મુંબઈના વિકાસ માટે આ મહત્ત્વના પ્રોજેક્ટ હોવા છતાં તેનો ખર્ચ અને તેના બિલ ચૂકવવા માટે ભંડોળના આયોજન બાબતે વિગતો જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.

ઈન્ફ્રાસ્ટ્રકટર પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાના ભંડોળની આવશ્યકતા સામે પાલિકાની ફિક્સ ડિપોઝિટમાં છેલ્લા આઠ મહિનામાં કથિત રીતે ૩,૫૪૪ કરો રૂપિયાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં લગભગ ૮૧,૪૪૯ કરોડની એફડીની રકમ હવે ૭૭,૯૦૫ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. ૨૦૨૧માં ૯૧,૬૯૦ કરોડ રૂપિયાની એફડીમાં છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૧૩,૭૮૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાની વિગત તાજેતરમાં પ્રશાસન દ્વારા સ્થાયી સમિતિ સક્ષમ રાખવામાં આવી હતી.

ફિક્સ ડિપોઝિટમાં થયેલા ઘટાડા અને પાલિકાની  આર્થિક સ્થિતિ સામે વિગતવાર શ્ર્વેતપત્રિકા કાઢવાની માગણી સાથેનો એક પત્ર પાલિકા કમિશનરને કૉંગ્રેસના પાલિકાના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ લખ્યો છે, જેમાં તેમણે મેયરને પણ પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને આ વિષય પર ચર્ચા કરવા પાલિકાની વિશેષ સામાન્ય સભા યોજવાની માગણી કરી છે.