જોકે શનિ-રવિમાં મુંબઈ-થાણેમાં હળવા વરસાદની શકયતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયાથી તાપમાનનો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. હીટ વેવ હેઠળ કાળઝાળ ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહેલા મુંબઈગરાને શુક્રવારે પણ આકરી ગરમીનો અનુભવ કરવો પડે એવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવાર માટે પણ યલો એલર્ટ જારી કર્યું છે, જે અલગ-અલગ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિની આગાહી કરે છે. જોકે શનિવાર અને રવિવારે મુંબઈમાં વરસાદના હળવા ઝાપટાં પડવાની શકયતા છે.
મુંબઈમાં સતત ૩૫ ડિગ્રીથી ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઑક્ટોબર હીટ અનુભવી રહેલા મુંબઈગરાને ગરમીથી રાહત મેળવવા હજી થોડી રાહ જોવી પડવાની છે. જોકે ગુરુવાર માટે એક દિવસ અગાઉ જારી કરાયેલી હીટવેવ ચેતવણી ગુરુવારે બપોરે ગરમ અને ભેજવાળા હવામાનની આગાહીમાં ડાઉનગ્રેડ કરવામાં આવી હતી.
ગુરુવારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ ૩૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૩.૮ ડિગ્રી વધુ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૯ ડિગ્રી હતું, જે સામાન્ય કરતા ૪.૨ ડિગ્રી વધુ નોંધાયું હતું. કોલાબા અને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન અનુક્રમે ૨૭.૪ ડિગ્રી અને ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે ૧૭ અને ૧૮ ઑક્ટોબરના રોજ મુંબઈ અને થાણેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જે ગરમીથી અસ્થાયી રાહત લાવી શકે છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ મુંબઈમાં ગરમી પશ્ર્ચિમ ભારતમાંથી આવી રહેલા ગરમ પવનને આભારી છે. હાઈ પ્રેશર સર્ક્યુલેશન અને પૂર્વથી ઉત્તરપૂર્વીય પવન સામાન્ય ઠંડક દરિયાઈ પવનને મર્યાદિત કરી રહ્યા છે, જ્યારે ચોમાસા પછીનું ચોખ્ખું આકાશ દિવસના સમયને ગરમ કરતા હોય છે અને ભેજ અગવડતામાં વધારો કરે છે. સામાન્ય કરતાં વધુ તાપમાન ઓછામાં ઓછું ૨૨ ઑક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. તો ૨૨ ઑકટોબર પછી કોંકણ પ્રદેશના ભાગોમાં હળવા વરસાદથી અસ્થાયી રાહત થઈ શકે છે.