(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રખ્યાત મનીષ માર્કેટ સાબુ સિદ્દીક માર્ગ, મુસાફીરખાના સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે સ્ટોલ ખાલી કરાવવાની કાર્યવાહી ચાલુ રહી હતી.
પાલિકાના ‘એ’ વોર્ડ દ્વારા સતત બીજો દિવસે એટલે ગુરુવારે સાબુ સિદ્દીક માર્ગ, મુસાફીરખાના અને મનીષ માર્કેટના વિસ્તારમાં કુલ બાવન અનધિકૃત સ્ટોલને ખાલી કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમ્યાન તાડપત્રી, વાંસ, લોખંડના પાઈપ અને લોખંડના પતરાથી બનેલા હંગામી બાંધકામો તેમજ લોખંડના નિયત સ્ટોલ ધરાવતાં બિનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ અંતર્ગત ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ બુધવારના રોજ અતિક્રમણ નાબૂદી ઝુંબેશ હાથ ધરીને ૯૨ અનધિકૃત સ્ટોલને ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એ બાદ ગુરુવારના પણ બાંધકામ હટાવવામાં આવ્યા હતા. એ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.