રાજકોટ : રાજકોટ શહેરમાં બે વર્ષની બાળકીના અકસ્માતે મૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસની પોલીસ તપાસમાં જન્મ આપનારી માતાએ જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દેતા પટકાતા મૃત્યુ થયું હતું.જેના પગલે પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
તલસ્પર્સી તપાસ કરતા સમગ્ર વિગત પ્રકાશમાં આવી
આ કેસની મળતી વિગતો મુજબ શહેરની ઉધમસિંહ ટાઉનશિપમાં પાંચમા માળેથી નીચે પટકાતાં 2 વર્ષની દીકરીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી માતાએ સમગ્ર મામલાને અકસ્માતમાં ખપાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકી અકસ્માતે નીચે પડી ગઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી. જોકે પોલીસની તલસ્પર્સી તપાસ કરતા સમગ્ર વિગત પ્રકાશમાં આવી હતી.
માતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી
જેમાં પોલીસે માતાની કડક પૂછપરછ કરતાં આરોપી માતા ભાંગી પડી હતી. તેમજ આરોપી પૂનમબેન સાકરીયાએ પોતાની દીકરીને પાંચમા માળેથી જાતે જ નીચે ફેંકી દીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમજ જન્મ થયો ત્યારથી જ દીકરી ન ગમતી હોવાનું માતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
માતાની અટકાયત કરવામાં આવી
બાળકીના રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા પોલીસે ખૂબ ઝડપથી કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે પરિવારજનો તેમજ આજુબાજુ રહેતા 12 થી વધુ સ્થાનિક લોકોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. લોકોના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે માતાની ખોટી વાર્તાનો પર્દાફાશ કર્યો હતો. સાચા તથ્યો સામે આવતાં જ માતાની અટકાયત કરવામાં આવી છે.
વધુ રિમાન્ડ મેળવવા તજવીજ
આ સમગ્ર કેસમાં માતાની કબૂલાત છતાં પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. તેમજ આ હત્યા પાછળ કોઈ અન્ય અંગત કારણ છુપાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. આ કૃત્યમાં પરિવારના અન્ય કોઈ સભ્યની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસે આરોપી માતા પૂનમબેનની અટકાયત કરી વધુ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.