ભુજ : કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પરિવહન અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ઐતિહાસિક પગલું ભરતાં પશ્ચિમ રેલવે દ્વારા બે મહત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા દેશલપર–હાજીપીર–લૂના અને વાયોર–લખપત વચ્ચે કુલ 145 કિલોમીટર લાંબી નવી બ્રોડગેજ રેલવે લાઇન નાખવા માટે રૂપિયા 2526 કરોડના અંદાજિત ખર્ચે સત્તાવાર ઈ-ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટથી સરહદી સલામતી અને કનેક્ટિવિટી સુદ્રઢ બનવાની સાથે સ્થાનિક ઉદ્યોગો તેમજ પ્રવાસનને મોટો વેગ સાંપડશે.
13 નવાં અત્યાધુનિક રેલવે સ્ટેશનો બનાવવાનું આયોજન
આ બંને પ્રોજેક્ટ હેઠળ કુલ 145 રૂટ કિલોમીટર અને 164 ટ્રેક કિલોમીટરનું આધુનિક રેલવે નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ સમગ્ર રેલવે લાઇન પર 13 નવાં અત્યાધુનિક રેલવે સ્ટેશનો બનાવવાનું આયોજન છે, જેનાથી કચ્છના અંદાજે 866 ગામોની ૧૬ લાખથી વધુ જનતાને સીધો પરિવહન લાભ મળશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ મંજૂરી મળ્યા બાદ આગામી ત્રણ વર્ષની નિર્ધારિત સમયમર્યાદામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
બન્ની અને પાવરપટ્ટી પંથકની દાયકાઓ જૂની મુશ્કેલીઓનો અંત આવશે
પ્રથમ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ નખત્રાણા તાલુકાના દેશલપરથી પવિત્ર યાત્રાધામ હાજીપીર થઈને સરહદી લૂના સુધી આશરે ૮૨.૩૮ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન બિછાવવામાં આવશે. આ કામગીરી અંતર્ગત મોટા પાયે માટીકામ, નાના-મોટા પુલોનું નિર્માણ, રોડ અંડરબ્રિજ, રેલવે ટ્રેક બિછાવવો, આધુનિક સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન તેમજ સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન સહિતની તમામ આનુષંગિક કામગીરીઓ આવરી લેવાશે. આ લાઇન તૈયાર થવાથી અંતરિયાળ બન્ની અને પાવરપટ્ટી પંથકની દાયકાઓ જૂની મુશ્કેલીઓનો અંત આવશે.
રક્ષણ વ્યવસ્થા અને લોજિસ્ટિક્સને નવી મજબૂતી મળશે
બીજા પ્રોજેક્ટ હેઠળ અબડાસાના વાયોરથી છેવાડાના લખપત સુધી નવી રેલવે લાઇનનું નિર્માણ હાથ ધરાશે. પશ્ચિમ રેલવે દ્વારા આ સેક્શનના સિવિલ એન્જિનિયરિંગ, બ્રિજ, વોટર ડ્રેનેજ, ટ્રેક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ માટે રૂપિયા ૯૮૪.૩૦ કરોડની અંદાજિત કિંમતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. લખપત સીમાવર્તી પંથક સીધો રેલવે નેટવર્ક સાથે જોડાતાં દેશની સંરક્ષણ વ્યવસ્થા અને લોજિસ્ટિક્સને નવી મજબૂતી મળશે.
આરામદાયક મુસાફરી વિકલ્પ ઉપલબ્ધ થશે
આ પ્રોજેક્ટ થકી રણપ્રદેશ કચ્છના પશ્ચિમ છેડે આવેલા વિશાળ મીઠાના અગરો, સિમેન્ટ ફેક્ટરીઓ, થર્મલ પાવર પ્લાન્ટ્સ અને ખાણોમાંથી મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર તેમજ બેન્ટોનાઇટ જેવા ઔદ્યોગિક માલસામાનની દેશભરમાં હેરફેર ઝડપી અને કિફાયતી બનશે. હાજીપીર દરગાહ ઉપરાંત નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, લખપતનો ઐતિહાસિક કિલ્લો અને રણવિસ્તાર સુધી પહોંચવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સસ્તો અને આરામદાયક મુસાફરી વિકલ્પ ઉપલબ્ધ થશે.
(ઉત્સવ વૈધ)