અમદાવાદઃ ગુજરાત ભાજપ સંગઠનમાં એક મહત્વપૂર્ણ ફેરબદલ હેઠળ ડૉ. નરેશ દેસાઈને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પરિપત્ર બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ યુવા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ડૉ. હેમાંગ જોષીને રાષ્ટ્રીય સ્તરે સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવ્યા બાદ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે વિચાર-વિમર્શ બાદ યુવા મોરચામાં સતત બે ટર્મથી મહામંત્રી તરીકે સક્રિય સેવાઓ આપી રહેલા ડૉ. નરેશ દેસાઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
ડૉ. નરેશ દેસાઈની પ્રમુખ તરીકે વરણી થવાથી રાજ્યભરમાં ભાજપના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં ગુજરાતભરના યુવાનોને સંગઠન સાથે જોડવા, યુવા વર્ગ અને વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો ઉઠાવવા તેમજ પક્ષના વિવિધ લોકલક્ષી કાર્યક્રમોને જમીની સ્તર સુધી લઈ જવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે.
ડૉ. નરેશ દેસાઈ વિદ્યાર્થીકાળથી જ સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. છેલ્લી બે ટર્મથી ગુજરાત ભાજપ યુવા મોરચામાં મહામંત્રી તરીકે કાર્યરત હતા. અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે તેમણે કામગીરી કરી હતી. વિદ્યાર્થીલક્ષી અનેક મુદ્દાઓને લઈને તેમણે પોતાની ટીમ સાથે આંદોલનો પણ કર્યા હતા.