નવી દિલ્હીઃ SIR વિવાદ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાને લઈ રાજકીય ઘર્ષણ દિલ્હીમાં ચાલી રહ્યું છે. વિપક્ષ સરકારને ઉથલાવવાના મૂડમાં હોવાના માહોલ વચ્ચે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે જો સરકારને એવું લાગતું હોય કે, આ સત્તા પરિવર્તન માટેની લડાઈ છે? તો હા, અમે શાસનમાં પરિવર્તન ઈચ્છીએ છીએ. નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના અભિજીત દીપકે, સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, જાણીતા એક્ટર પ્રકાશ રાજ, નેહા બોરા અને પ્રશાંત ભૂષણે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં પ્રશાંત ભૂષણે નિવેદન આપ્યું હતું.
સત્તા પરિવર્તન માટે કાવતરૂ?
રિપોર્ટ અનુસાર, પ્રશાંત ભૂષણે ઉમેર્યું હતું કે, એક વાત નક્કી છે કે, શાસનમાં પરિવર્તન આવશે. અમે ઈચ્છીએ છીએ કે શાસનમાં પરિવર્તન આવે. સત્તા પરિવર્તન થાય એમાં ખોટું શું છે? ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ વારંવાર શાસન બદલવા માટે આંદલનો કર્યા હતા. વિરોધ પ્રદર્શનો પણ કરેલા છે. હવે એવું કહે છે કે, શાસન બદલવાના પ્રયાસો કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન કરનારાઓનો આ ઈરાદો છે. આ વિરોધ કરનારા લોકો સત્તા પરિવર્તન કરવા માટે કાવતરૂ ઘડી રહ્યા છે.
સત્તા પરિવર્તન કરવું એ તો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. એટલા માટે જ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે, સેડિશન (રાજદ્રોહ)નો જે અંગ્રેજોનો કાયદો હતો, અંગ્રેજોના સમયમાં બન્યો હતો એ ગેરબંધારણીય છે. કોક્રોચ જનતા પાર્ટી અને અન્ય સંગઠન જંતરમંતર પર પ્રદર્શન માટે જગ્યા માગી રહ્યા હતા. હવે સરકારને એવું લાગતુ હોય કે જંતરમંતર વિસ્તાર નાનો પડશે તો અન્ય કોઈ જગ્યા સ્પષ્ટ કરો.
ગુંડારાજ ચાલી રહ્યું છે
પણ આખા સેન્ટ્રલ દિલ્હી શહેરને જ બંધ કરી દેવામાં આવે અને રસ્તા પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવે, પત્રકારોને માર મારવામાં આવે. આ બન્યું છે રાજધાનીમાં. સરકારને એવું લાગે છે કે, દબાણ કરીને આંદોલન કે વિરોધ પ્રદર્શને ડામી શકાશે. કચડી શકાશે. પણ આ દાવ ઊંધો પડ્યો. જેટલું દબાણ ઊભું કરશો એટલા આ લોકો વધુ રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરશે.
બારમી ઑક્ટોબરના જ્યારે કોક્રોચ જનતા પાર્ટીના ત્રણ નેતા જંતરમંતર પર તિરંગો લહેરાવવા માટે ગયા તો એમને પાંચ દિવસની અટકાયતમાં લઈ લેવાયા. પણ ભાજપના જે ગુંડાઓ કનોટ પ્લેસ પર લોકો સાથે મારપીટ કરી રહ્યા હતા, એને આગલા દિવસોમાં છોડી દીધા. આવું ગુંડારાજ ચાલી રહ્યું છે.