Thu Oct 15 2026

Logo

ગોરેગામમાં 18 મહિનાની બાળકીને છઠ્ઠા માળેથી નીચે ફેંકી: 10 વર્ષની છોકરી છઠ્ઠા માળે ડક્ટ એરિયામાં  તેને ધકેલતી સીસીટીવી કેમેરામાં નજરે પડી

2026-10-15 21:25:28
Author: Yogesh D. Patel
ગોરેગામમાં 18 મહિનાની બાળકીને છઠ્ઠા માળેથી નીચે ફેંકી: 10 વર્ષની છોકરી છઠ્ઠા માળે ડક્ટ એરિયામાં  તેને ધકેલતી સીસીટીવી કેમેરામાં નજરે પડી

મુંબઈ: ગોરેગામ પૂર્વમાં 18 મહિનાની બાળકીને ઇમારતના છઠ્ઠા માળેથી નીચે ફેંકીને મોતને ઘાટ ઉતારાઇ હોવાની હિચકારી ઘટના સામે આવી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં 10 વર્ષની છોકરી તેને ઊંચક્યા બાદ ડક્ટ એરિયામાં તેને નીચે ધકેલતી નજરે પડી હતી. દિંડોશી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ આ ઘટનામાં 10 વર્ષની એ છોકરીની સંડોવણી સહિત તમામ પાસાંની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

ગોરેગામ પૂર્વમાં આવેલી શિવશાહી બિલ્ડિંગમાં બુધવારે આ ઘટના બની હતી, જેને પગલે દિંડોશી પોલીસે એડીઆર દાખલ કર્યો હતો. પોલીસને હાથ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પડોશમાં રહેતી 10 વર્ષની છોકરી છઠ્ઠા માળે બાળકીને ઊંચકતાં અને તેને ત્યાર બાદ ડક્ટ એરિયામાં નીચે ફેંકતાં દેખાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સીસીટીવી કેમેરાના ફૂટેજમાં છઠ્ઠા માળેથી નીચે પડતી દેખાય છે. તેને નીચે ધકેલતી છોકરી ત્યાંથી ભાગી છૂટતી અને ત્યાર બાદ એ જ એરિયામાં સાઇકલ ચલાવતી નજરે પડે છે. 

દરમિયાન બાળકીનાં માતા-પિતાએ છોકરીનાં વાલીઓ પર ગુનો છુપાવવા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

ડક્ટ એરિયામાં નીચે પટકાવાથી મૃત્યુ પામેલી બાળકીના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે હોસિપટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ મૃત બાળકીનાં માતા-પિતાએ લગાવેલા આરોપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.