નવી દિલ્હીઃ શેરડીનાં ઉત્પાદકો દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હોવા છતાં મહારાષ્ટ્રની પંચાવન ખાંડ મિલ પૈકી 15 ખાંડ મિલોએ શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. જોકે, કેન્દ્ર સરકારે શેરડીના ઉત્પાદકોની સમસ્યાના ઉકેલ માટે સમિતિ સ્થાપી હોવા છતાં કર્ણાટકની ખાંડ મિલોમાં પિલાણ શરૂ થવાનું બાકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર મહારાષ્ટ્રની 40 મિલોએ ઑક્ટોબર મહિનામાં પરંપરાગત ધોરણે પિલાણ શરૂ કરવા પૂર્વેની પૂજા કરી હતી, પરંતુ શેરડીના ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં લેતા હજુ એકમો ધમધમતા નથી થયા. માત્ર 15 ખાંડ મિલોએ ગત આઠમી ઑક્ટોબર પછી પિલાણ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આ 15 મિલોનું ખાંડનું ઉત્પાદન થતાં ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોના વિરોધને કારણે કર્ણાટકમાં એક પણ ખાંડ મિલોએ પિલાણ શરૂ નથી કર્યું, એમ સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક બન્ને રાજ્યોના શેરડીના ખેડૂતોએ શેરડીના ટેકાના ભાવ વધારવાની સાથે ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારીને કિલોદીઠ રૂ. 60 કરવાની માગણી કરવાની સાથે ધોરી માર્ગો પર ચક્કા જામ કર્યા હતા. જોકે, કેન્દ્રીય અનાજ ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશી અને કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોના સંગઠનો સાથે દિલ્હી ખાતે વાટાઘાટો કરીને નીતિ આયોગના ભૂતપૂવ સભ્ય રમેશ ચાંદનાં વડપણ હેઠળ આ સમસ્યાનો ઉકેલ લાવવા સમિતિ સ્થાપવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ખેડૂતોના સંગઠનોએ આ પગલાંની અવગણના કરી હતી અને દેખાવો કરવાનું ચાલુ રાખ્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સરકારે સમિતિને નોટિફાઈ કરી છે, પરંતુ ભલામણોનો અમલ કરવાની અથવા તો તેને અહેવાલ સુપરત કરવાની કોઈ અવધી નિર્ધારિત નથી કરી આથી ખેડૂતોનું માનવું છે કે તેની માગણીઓનો તાત્કાલિક ધોરણે કોઈ ઉકેલ નહીં આવે.
Chat GPT Image