Thu Oct 15 2026

Logo

અમદાવાદ રેલવે સ્ટેશને તહેવારો પર ભીડ નિયંત્રણ માટે સરસપુર તરફ નવો એન્ટ્રી ગેટ ખૂલ્લો મુકાયો

2026-10-15 20:23:10
Author: Mayur Patel
અમદાવાદ રેલવે સ્ટેશને તહેવારો પર ભીડ નિયંત્રણ માટે સરસપુર તરફ નવો એન્ટ્રી ગેટ ખૂલ્લો મુકાયો

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે  રેલવે તંત્ર દ્વારા નવો તૈયાર કરાયેલો બીજો પ્રવેશદ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નવો પ્રવેશદ્વાર મુસાફરોને અવરજવર માટે વધારાની સુવિધા આપશે અને હાલના એન્ટ્રી પોઈન્ટ્સ પરની ભીડનું ભારણ ઘટાડશે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ નવા પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

આ ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવરબ્રિજ પર હાલ 10 એસ્કેલેટર અને લિફ્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. નવા પ્રવેશદ્વાર પાસે વધુ એક લિફ્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યએ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ તેમજ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કાર્યની પણ સમીક્ષા કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમિત ટ્રેન સંચાલન અને મુસાફરોની સેવાઓ જાળવી રાખીને અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું, બાંધકામ દરમિયાન મુસાફરોની સલામતી, સુવિધા અને અવિરત રેલવે કામગીરી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સ્ટેશનને ભારતીય રેલવે, બુલેટ ટ્રેન સ્ટેશન અને નજીકના મેટ્રો સ્ટેશનને જોડતા મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી સીધા પ્રવેશની પણ યોજના તૈયાર કરાઈ છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ એમએમટીએચ બિલ્ડિંગના 14 માળનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ત્યાંરિઝર્વેશન સિસ્ટમ, ક્લોકરૂમ, ડિજિટલ લોકર્સ અને વેઇટિંગ રૂમ ખસેડી લેવાયા છે, તેમજ પ્લેટફોર્મ નંબર 1 પરથી પ્રવેશ અને નિકાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ઉત્તર એમએમટીએચ ના બાંધકામનું આયોજન પણ કરવામાં આવશે. ટ્રાફિક વ્યવહાર એકસાથે ખોરવાય નહીં તે હેતુથી સારંગપુર બ્રિજની કામગીરી પ્રગતિમાં છે અને ત્યારબાદ કાલુપુર ખાતે કામગીરી હાથ ધરાશે.