મુંબઈ: ઘરમાં વપરાતા હળદર, મરચાં, ધાણા અને જીરાં જેવા મસાલા ખરીદતાં પહેલાં હવે સાવચેતી રાખવી જરૂરી છે. મહારાષ્ટ્રના એફડીએએ મસાલામાં ભેળસેળ, પ્રતિબંધિત રંગોનો ઉપયોગ અને અસ્વચ્છ રીતે ઉત્પાદન કરવા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ મસાલાના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીના દરેક તબક્કે નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે. જેની જાણકારી તેમણે આજે યોજેલી પત્રકાર પરિષદમાં આપી હતી.
ખુલ્લા મસાલા નહીં મળે, પેકિંગ ફરજિયાત
નવા આદેશ મુજબ, મસાલાના પાઉડર અને મિશ્ર મસાલાનું ખુલ્લી તથા છૂટક સ્થિતિમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મસાલાનું ઉત્પાદન સ્થળે જ યોગ્ય રીતે પેકિંગ અને સીલિંગ કરવું પડશે. પેકેટ પર ઉત્પાદનનું નામ, ઉત્પાદકની વિગતો, લાઈસન્સ નંબર, બેચ નંબર અને ઉત્પાદન કે પેકિંગની તારીખ સહિતની જરૂરી માહિતી આપવી ફરજિયાત રહેશે.
મસાલામાં પ્રતિબંધિત રંગો ભેળવ્યા તો કાર્યવાહી
મસાલાને વધુ આકર્ષક દેખાડવા માટે મેટાનિલ યેલો, રોડામાઇન બી, સુદાન રંગો અને લેડ ક્રોમેટ જેવા પ્રતિબંધિત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. મસાલાનું વજન વધારવા માટે ઈંટનો ભૂકો, ચાક પાવડર, લાકડાનો ભૂકો કે અન્ય અનધિકૃત પદાર્થો ભેળવવા સામે પણ કાર્યવાહી થશે. જે મસાલામાંથી અર્ક કાઢી લેવામાં આવ્યો હોય, તેનું વેચાણ પણ કરી શકાશે નહીં.
માત્ર દુકાનદાર નહીં, મૂળ ઉત્પાદક જવાબદાર
મસાલામાં ભેળસેળ મળી આવે તો કાર્યવાહી માત્ર દુકાનદાર સુધી મર્યાદિત નહીં રહે. વહીવટીતંત્ર મૂળ ઉત્પાદક, મસાલા પીસતી એકમ, ફરીથી પેકિંગ કરનાર, સપ્લાયર અને ભેળસેળ માટે પ્રતિબંધિત રંગો કે પદાર્થો પૂરા પાડનાર સુધી તપાસ કરશે. ગંભીર કિસ્સાઓમાં માલ જપ્ત કરવો, વેચાણ અટકાવવું, બજારમાંથી ઉત્પાદન પાછું મંગાવવું, લાઈસન્સ સ્થગિત કે રદ કરવું અને કોર્ટમાં કેસ દાખલ કરવા જેવી કાર્યવાહી થઈ શકે છે.
મસાલા ખરીદતાં પહેલાં આટલું ધ્યાન રાખો
ગ્રાહકોએ મસાલા ખરીદતી વખતે પેકેટ પર ઉત્પાદકનું નામ, લાઇસન્સ નંબર, બેચ નંબર અને તારીખ જેવી વિગતો તપાસવી જોઈએ. શંકાસ્પદ મસાલા, ભેળસેળ અથવા ખોટા લેબલ અંગે ફરિયાદ કરવા માટે મહારાષ્ટ્ર એફડીએની વેબસાઇટ https://complaints.mahafda.in અથવા ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૨૨૨ ૩૬૫નો ઉપયોગ કરી શકાય છે.
તુકારામ મુંઢેએ યોજેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયિકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યભરના સંબંધિત અધિકારીઓને મસાલાના વ્યવસાયોની તપાસ કરવા અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.