Thu Oct 15 2026

Logo

બોલો ક્યાં છે 'દુષ્કાળ'? ભાજપના નેતા પર ચલણી નોટોનો કરાયો 'વરસાદ', વીડિયો વાયરલ થતાં 'વિવાદ'

2026-10-15 14:53:00
Author: Mumbai Samachar Team
બોલો ક્યાં છે 'દુષ્કાળ'? ભાજપના નેતા પર ચલણી નોટોનો કરાયો 'વરસાદ', વીડિયો વાયરલ થતાં 'વિવાદ'

મુંબઈ/જાલનાઃ આ વર્ષે રાજ્યમાં પડેલા ઓછા વરસાદને કારણે એક બાજુ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે, પરંતુ બીજી બાજુ નેતાઓ જાણે મોજ કરી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. એક બાજુ દુષ્કાળના કારણે ખેડૂતો પાકના નુકસાન, પાણીની અછત અને વધતા દેવા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જાલના શહેરમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા અને પૂર્વ વિધાનસભ્ય કૈલાશ ગોરંટ્યાલ (કૈલાશ ગોંટિયાલ તરીકે પણ ઓળખાય છે) પર ભજનના કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં જોરદાર વિવાદ થયો છે.

મળતા અહેવાલ અનુસાર મંગળવારની રાત્રે જાલના શહેરમાં માંમાદેવી મંદિર નજીક ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૈલાસ ગોરંટ્યાલ હાજર રહ્યા હતા. કાર્યકરોના આગ્રહ બાદ તેઓ ભજનના તાલે નાચતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અહીંના કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર 500 અને 200 રુપિયાની ચલણી નોટો ઉડાવી હતી. 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગભીંર સ્થિતિ ઊભી થઈ છે, જેમાં રાજ્ય સરકારે પ્રદેશના 358 તાલુકામાંથી 305 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
 
એક તરફ ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઊભા પાક સુકાઈ રહ્યા છે, ખેડૂતોને પોતાના પાક પર રોટાવેટર ફેરવવું પડી રહ્યું છે, ત્યારે જાહેર કાર્યક્રમમાં નોટો ઉડાવવાની ઘટનાની ટીકા થઈ રહી છે. ખેડૂતો પાકના નુકસાન, આર્થિક સંકટ અને પાણી તથા પશુઓના ચારા માટેની અછતનો સામનો કરી રહ્યા છે.

આ ઘટનાની ટીકા માત્ર વિપક્ષે જ નહીં, પરંતુ સત્તાધારી ગઠબંધનના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે પણ કરી હતી. શિરસાટે કહ્યું હતું કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે આવા કાર્યક્રમો સામાન્ય લોકોને પસંદ નહીં આવે.
 
તેમણે ગોરંટ્યાલને ભાજપની કાર્યશૈલી અને પક્ષના મૂલ્યોને અનુરૂપ વર્તન કરવાની સલાહ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગોરંટ્યાલ ત્રણ દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં ભાજપમાં જોડાયા હતા.