મુંબઈ: મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી)ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપો વચ્ચે રાજ્ય સરકારે મોટો વહીવટી નિર્ણય લીધો છે. મુંબઈ ઉપનગર જિલ્લાના કલેક્ટર આઈએએસ સૌરભ કટિયારને એમપીએસસીના સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પરીક્ષા પ્રક્રિયાની પારદર્શકતા અને આયોગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે ત્યારે આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ મનાય છે.
સૌરભ કટિયાર મહારાષ્ટ્ર કેડરના 2016 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ હાલમાં મુંબઈ ઉપનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના વતની સૌરભ કટિયારે પ્રતિષ્ઠિત IIT કાનપુરમાંથી બી. ટેક અને એમટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સિવિલ સર્વિસમાં જોડાતા પહેલાં તેમણે બેંગ્લોરમાં ક્વાલકોમ કંપનીમાં પણ કામ કર્યું હતું.
સૌરભ કટિયારે પોતાની વહીવટી કારકિર્દી દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જવાબદારીઓ સંભાળી છે. તેઓ અમરાવતીના કલેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે અકોટા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કર્યું હતું. આ અગાઉ આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને આરોગ્ય સંબંધિત કામગીરીનો પણ તેમને અનુભવ રહ્યો છે.
અમરાવતીના કલેક્ટર તરીકે સૌરભ કટિયારે મેલઘાટના આદિવાસી વિસ્તારમાં માતા અને બાળકના આરોગ્ય સુધારવા માટે ‘મિશન 28’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જોખમી ગર્ભાવસ્થાની ઓળખ, સગર્ભા મહિલાઓની નિયમિત દેખરેખ, પ્રસૂતિ બાદની સંભાળ અને આરોગ્યકર્મીઓ સાથે સંકલનને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ પહેલથી વિસ્તારમાં માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસોને વેગ મળ્યો હતો.
એમપીએસસીની પરીક્ષામાં કથિત પેપર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ આયોગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. આ મુદ્દે પુણેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ સતત વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, જવાબદારી નક્કી કરવા અને આયોગના કામકાજમાં પારદર્શિતા લાવવાની માગણી કરી હતી. આ વિવાદ વચ્ચે અગાઉના સચિવ મહેન્દ્ર હરપાળકરની પ્રતિનિયુક્તિ સમાપ્ત કરવામાં આવી હતી અને હવે સૌરભ કટિયારને સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.