Thu Oct 15 2026

Logo

મુંબઈથી બેંગલુરુ હવે માત્ર 15-16 કલાકમાં! દશેરા પછી શરૂ થઈ શકે છે વંદે ભારત સ્લીપર ટ્રેન

2026-10-15 16:27:00
Author: Mumbai Samachar Team
મુંબઈથી બેંગલુરુ હવે માત્ર 15-16 કલાકમાં! દશેરા પછી શરૂ થઈ શકે છે વંદે ભારત સ્લીપર ટ્રેન

મુંબઈ: મુંબઈથી બેંગલુરુ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. મુંબઈની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દશેરા બાદ શરૂ થવાની શક્યતા છે. આ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી બેંગલુરુને જોડશે. જોકે, ટ્રેનની શરૂઆતની તારીખ અંગે રેલવે તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રસ્તાવિત ટ્રેન લગભગ 1,153 કિલોમીટરનું અંતર 15થી 16 કલાકમાં કાપશે. હાલમાં આ માર્ગ પરની લોકપ્રિય ઉદ્યાન એક્સપ્રેસને બેંગલુરુ પહોંચતાં આશરે 24 કલાક લાગે છે. નવી સ્લીપર ટ્રેન શરૂ થવાથી મુસાફરોનો સમય બચશે અને રાતોરાત મુસાફરીનો વિકલ્પ મળશે. 
રેલવે અધિકારીઓએ આ પ્રકરણે આપેલી માહિતી પ્રમાણે મુંબઈના વ્યસ્ત ઉપનગરીય લોકલ ટ્રેન નેટવર્ક પર અસર ન પડે તેના માટે વંદે ભારત સ્લીપર ટ્રેનને મોડી સાંજે દોડાવવાની યોજના છે. 

પીક અવર્સ દરમિયાન ટ્રેન ન ચલાવવા અંગે પણ વિચારણા થઈ રહી છે. ટ્રેનની મહત્તમ ક્ષમતા 180 કિલોમીટર પ્રતિ કલાકની હોવા છતાં, આ માર્ગ પર તેને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાની શક્યતા છે. જોકે, સમયપત્રક અને અઠવાડિયામાં કેટલા દિવસ ટ્રેન દોડશે તે હજુ નક્કી થયું નથી.

ટ્રેનમાં મુસાફરોને મહારાષ્ટ્ર અને કર્ણાટકની સ્થાનિક વાનગીઓ પીરસવાની પણ યોજના છે. સંભવિત મેનૂમાં મિસળ પાવ, થાલિપીઠ અને મૈસૂર પાકનો સમાવેશ થઈ શકે છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેનમાં ભોજન પૂરું પાડવા માટે જાણીતા શેફ, ક્લાઉડ કિચન અને હોટેલ સાથે કામ કરતા કેટરિંગ ભાગીદારો સાથે ચર્ચા ચાલી રહી છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની રાત્રી મુસાફરીને વધુ ઝડપી બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. મુંબઈ-બેંગલુરુ સેવા ઉપરાંત પશ્ચિમ રેલવે હેઠળ મુંબઈ-દિલ્હી અને અમદાવાદ-દિલ્હી માર્ગો પર પણ આવી ટ્રેન શરૂ કરવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. જોકે, આ તમામ સેવાઓ અંગે અંતિમ સમયપત્રક અને શરૂઆતની તારીખની સત્તાવાર પુષ્ટિ ટૂંક સમયમાં કરાય તેવી શક્યતા છે.