પખવાડિયા પહેલાં જ એક્સ પર મૂકેલી પોસ્ટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને રક્ષણ આપનારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનાં નામ જાહેર કરાયાં હતાં
થાણે: ગુટકાના ગેરકાયદે વેચાણ અને જુગાર રમાડનારાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારા સામાજિક કાર્યકરની ઉલ્હાસનગરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પખવાડિયા પહેલાં જ મૃતકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અમુક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કર્યો હોવાનું સામે આવતાં આ હત્યાકાંડે ગંભીર વળાંક લીધો હતો. જોકે પોલીસે ઘટનાના 12 કલાકમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્હાસનગર રેલવે સ્ટેશન નજીકના કોમ્પ્લેક્સમાં બુધવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ હરીશ ગજવાની (50) પર હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે ગજવાનીએ 27 સપ્ટેમ્બરે ‘એક્સ’ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં પોતાને સામાજિક કાર્યકર તરીકે ઓળખાવનારા ગજવાનીએ પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. એ સિવાય ગુટકા અને રમી ક્લબ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને રક્ષણ આપનારા કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓનાં નામ પણ પોસ્ટ કર્યાં હતાં.
આ પોસ્ટને ગજવાનીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંઢેને પણ ટેગ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બુધવારની રાતે અજાણ્યા શખસોએ ગજવાની પણ ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી તેના માથામાં વાગી હતી. આ હુમલામાં ગજવાનીનું મૃત્યુ થયું હતું. જૂની અદાવતને પગલે આ હુમલો થયો હોવાનું પોલીસને શંકા છે.
પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં, જેમાં એક શકમંદ તીક્ષ્ણ હથિયાર સાથે ઘટનાસ્થળ નજીકના પરિસરમાં નજરે પડ્યો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ગયા મહિને શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની જે રીતે હત્યા થઈ હતી એ જ પદ્ધતિથી ગજવાનીની હત્યા કરવામાં આવી હતી. એકદમ નજીકથી ગોળી મારવામાં આવી હતી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ મામલે ગુરુવારે ત્રણ શકમંદને પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક અને ધરપકડ કરાયેલા એક આરોપી અવિનાશ નાયડુ વચ્ચે જૂની અદાવત હતી. આ અદાવતને પગલે જ ગજવાનીની હત્યા કરાઈ હોવાનું જણાય છે, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગોરેએ જણાવ્યું હતું.
તપાસમાં જણાયું હતું કે 2021ના હત્યાના એક કેસમાં ગજવાની આરોપી હતો અને તેના પર નાયડુએ હુમલો પણ કર્યો હતો, પરંતુ તે સમયે ગજવાની બચી ગયો હતો. આ વિવાદ થોડા સમય માટે શમી ગયો હતો, પરંતુ નાયડુના મનમાં રોષ ધરબાયેલો હતો. પરિણામે તેણે કાવતરું ઘડીને ગજવાનીને પતાવી નાખ્યો હતો, એમ પોલીસનું કહેવું છે.
આ પ્રકરણે વિઠ્ઠલવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)