Thu Oct 15 2026

Logo

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે MMRDAનો માસ્ટર પ્લાન; પ્રવાસીઓ આ રીતે મિનિટોમાં પહોંચી શકશે ઘર...

2026-10-15 17:40:09
Author: Darshana Visaria
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે MMRDAનો માસ્ટર પ્લાન; પ્રવાસીઓ આ રીતે મિનિટોમાં પહોંચી શકશે ઘર...

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રવાસીઓ મુંબઈ પહોંચ્યા બાદ માત્ર થોડી જ મિનિટોમાં પોતાના ઘરે પહોંચી શકે તે માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનું અદ્યતન નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. મેટ્રો ઉપરાંત હવે પ્રવાસીઓને ડ્રાઇવર વગરની પોડ ટેક્સી અને રસ્તાથી ઉપર હવામાં દોડતી ઓટોમેટેડ બસનો વિકલ્પ મળશે.

મુંબઈનું બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે BKC દેશનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. બાંદ્રા અને કુર્લા રેલવે સ્ટેશન વચ્ચે દેશની પ્રથમ પોડ ટેક્સી દોડશે, જ્યારે વિરાર બુલેટ ટ્રેન સ્ટેશનથી ડ્રાઇવરલેસ એલિવેટેડ બસ સેવા શરૂ થશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ એટલે કે MMRDA દ્વારા આ માટે રૂપિયા 1.5 લાખ કરોડનો મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વિરારમાં દોડશે દેશની પ્રથમ ઓટોમેટેડ એલિવેટેડ બસ

વિરારમાં બુલેટ ટ્રેન સ્ટેશનથી સીધી કનેક્ટિવિટી આપવા માટે વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓટોમેટેડ ગાઇડવે ટ્રાન્ઝિટ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. આ 3 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર વિરાર પૂર્વમાં બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલા સહકાર નગરથી નાલાસોપારા મેટ્રો સ્ટેશન સુધી જશે. વિરાર સ્ટેશન આસપાસના 463 હેક્ટર વિસ્તારના ટ્રાન્ઝિટ પ્લાનમાં જાપાનની JICA અને TUSPL સંસ્થા પણ સહયોગ આપી રહી છે.

BKCમાં દેશની પહેલી પોડ ટેક્સી સર્વિસ

BKCના ટ્રાફિકને હળવો કરવા અને બુલેટ ટ્રેન ટર્મિનસથી સરળ મુસાફરી માટે દેશની પ્રથમ ડ્રાઇવરલેસ પોડ ટેક્સી શરૂ થશે. આ 9 કિલોમીટર લાંબા એલિવેટેડ રૂટ પર 38 સ્ટેશન હશે, જે બાંદ્રા અને કુર્લા સ્ટેશનોને સીધા BKC કોમર્શિયલ હબ સાથે જોડશે. 
AI સંચાલિત, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને બેટરીથી ચાલતી આ પોડ ટેક્સીમાં 6 પ્રવાસીઓ બેસી શકશે અને તે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. ઓન-ડિમાન્ડ ધોરણે માત્ર 15થી 30 સેકન્ડમાં પોડ ટેક્સી મળશે, જે વચ્ચે કોઈ પણ સ્ટોપેજ વિના સીધી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે. 

આ ઉપરાંત થાણે, મીરા-ભાઈંદર અને નવી મુંબઈમાં પણ પોડ ટેક્સી નેટવર્ક વિસ્તારાશે. તેનો ટ્રાયલ ઘોડબંદર રોડ પર ભાઈંદર પાડા મેટ્રો સ્ટેશનથી વિહંગ હિલ્સ સર્કલ વચ્ચે ટૂંક સમયમાં યોજાશે.

મેટ્રોનો મહાવિસ્તાર અને અન્ડરગ્રાઉન્ડ સબવે

મુંબઈમાં 337 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક પ્લાનિંગ હેઠળ છે, જેમાંથી 100 કિલોમીટરથી વધુ લાઈનો ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. 36 કિમી લાંબી મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો એક્વા લાઇન 3 કફ પરેડથી આરે-JVLR વચ્ચે જમીનથી 25-30 મીટર નીચે દોડશે. બુલેટ ટ્રેન સ્ટેશન અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધા અન્ડરગ્રાઉન્ડ સબવે દ્વારા આ મેટ્રો નેટવર્ક સાથે સાંકળી લેવાશે. સાથે જ મોનોરેલ સિસ્ટમમાં પણ સ્વદેશી CBTC સિગ્નલિંગ અને 10 નવી ટ્રેનો ઉમેરાશે.

'વન મુંબઈ, વન ટિકિટ': સિંગલ કાર્ડ સિસ્ટમ

MMRDA ટૂંક સમયમાં એક કોમન મોબિલિટી એપ અને સિંગલ સ્માર્ટ કાર્ડ લોન્ચ કરશે. આ એક જ કાર્ડ કે એપ દ્વારા મુંબઈકરો લોકલ ટ્રેન, મેટ્રો, મોનોરેલ, બેસ્ટ બસ અને પોડ ટેક્સીમાં અલગ ટિકિટ લીધા વગર મુસાફરી કરી શકશે. આ સંકલિત નેટવર્કને કારણે થાણે, નવી મુંબઈ કે મીરા-ભાઈંદરથી નરીમાન પોઇન્ટ, કોલાબા કે BKC સુધીની મુસાફરી માત્ર 30થી 45 મિનિટમાં શક્ય બનશે.