Thu Oct 15 2026

Logo

થાણેમાં અનેક ગોડાઉનોમાં ભીષણ આગ: લાખોનું નુકસાન

2026-10-15 18:41:00
Author: Sapna Desai
થાણેમાં અનેક ગોડાઉનોમાં ભીષણ આગ: લાખોનું નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના દિવા-શિળ રોડમાં ખર્ડી ગામમાં  આવેલા અનેક ગોડાઉનમાં  ગુરુવારે સવારે આગ લાગી હતી, જેના કારણે ગોડાઉનમાં રહેલા લાખો રૂપિયાના સામાનને ભારે નુકસાન થયું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

દિવા-શિળ રોડ પર આવેલા ખર્ડી ગામમાં પેટ્રોલ પંપ નજીક આવેલા અરશદ કમ્પાઉન્ડમાં ગુરુવારે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા થાણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ હાઈરાઈઝ ફાયર વેહિકલ, એક ફાયર ઍન્જિન, વોટર ટેન્કર સહિત ઈમરર્જન્સી રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સવારના લાગેલી આગ પર બપોરે લગભગ ૨.૧૦ વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.


આગમાં લગભગ ૮૦૦ સ્કવેર ફૂટમાં આવેલું ફર્નિચરનું ગોડાઉન, ૮૦૦ સ્કવેર ફૂટમાં આવેલું પ્લાસ્ટિકના ભંગારનું ગોડાઉન તેમ જ ૧,૫૦૦ સ્કવેર ફૂટમાં આવેલા ફેબ્રિકેશનના સામાનનું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતુંં. આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.