મુંબઈ: બોલિવૂડ અભિનેતા અજય દેવગનની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 13 દિવસ થઈ ગયા છે, તેમ છતાં દર્શકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મે વિશ્વભરમાં કુલ ₹509 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન
અહેવાલ અનુસાર, ફિલ્મે રિલીઝના 13મા દિવસે ભારતમાં અંદાજે ₹5.25 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી ₹328.75 કરોડ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹394 કરોડ નોંધાયું છે. વિદેશી બજારોમાં ફિલ્મે અત્યાર સુધીમાં ₹115 કરોડની કમાણી કરી છે, જેના કારણે વિશ્વભરમાં તેનું કુલ ગ્રોસ કલેક્શન ₹509 કરોડ થયું છે.
ફિલ્મની 13 માં દિવસે કેટલી કમાણી?
જોકે, બીજા અઠવાડિયામાં ફિલ્મની દૈનિક કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. 13મા દિવસે ફિલ્મના કલેક્શનમાં અગાઉના દિવસની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં, ફિલ્મનું કુલ કલેક્શન મજબૂત રહ્યું છે. ફિલ્મે 12 માં દિવસે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 13 માં દિવસે કમાણીમાં લગભગ 3.25 કરોડનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ ફિલ્મના શોઝ 14,717 જેટલા રહ્યા હતા. બીજા અઠવાડિયામાં પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
ફિલ્મમાં અજય દેવગન સાથે તબ્બુ, શ્રિયા સરન, જયદીપ અહલાવત, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ અને રજિતકુમાર સહિત અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મમાં જયદીપ અહલાવતની એક્ટિંગ દર્શકોને વધારે પસંદ આવી રહી છે. અભિષેક પાઠકના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં સસ્પેન્સ, રહસ્ય અને અણધાર્યા વળાંકોને કારણે ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.