Thu Oct 15 2026

Logo

સુરતમાં એમ્બ્રોડરીના એકમોના કામદારો રસ્તા પર ઉતર્યા, પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા

2026-10-15 14:20:00
Author: Vimal Prajapati
સુરતમાં એમ્બ્રોડરીના એકમોના કામદારો રસ્તા પર ઉતર્યા, પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા

સુરતમાં અત્યારે એમ્બ્રોડરી એકમોના કામદારો અત્યારે રસ્તા પર ઉતર્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ કામદારોએ રજા અને પગાર વધારાની માંગણી સાથે મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. પરંતુ તેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ આંદોલન શરૂ થયા તે પહેલા જ પાંડેસરા પોલીસ દ્વારા મજૂર યુનિયનના બે આગેવાન સુરેશ સોનવણે અને મલખાનસિહ સહિત છથી વધારે કામદાર નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ વિરોધ માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નહોતી આવી. મંજૂરી વિના કેટલાક શ્રમિકો કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતાં. જેથી પોલીસ દ્વારા આ કામદારોને ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન કેટલાક કામદારો પોલીસના કાર્યવાહી જોઈને ઘટના સ્થળેથી ભાગતા પણ જોવા મળ્યાં હતાં. જેથી પોલીસે આ કામદારોને દોડાવી દોડીને પકડ્યાં હતાં. પોલીસે કુલ 70થી વધારે કામદારોને ડિટેઈન કર્યાં હતાં. 

આ મામલે પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 10થી વધુ પોલીસની બસ-વાનમાં 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. આ કામદારોને સુરત પોલીસ દ્વારા ડુમસ લઈ જવામાં આવ્યાં હતાં. જેનો કેટલાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ સમગ્ર ઘટનાને કામદારોએ અઘોષિત કટોકટી ગણાવી હતી અને કહ્યું કે, તમે અમારા અવાજને દબાવી શકશો નહીં.  સુરત પોલીસ દ્વારા કીમ, કડોદરાથી લઈને સચિન સહિતના તમામ માર્ગો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સુરેશ સોનવણે (પ્રમુખ, રાષ્ટ્રીય મજદૂર સેના), રમાકાંત પાંડે (પ્રમુખ, સુરત સંઘર્ષ લેબર યુનિયન), મલખાનસિંહ વર્મા (પ્રમુખ, સાર્વજનિક મજદૂર એકતા યુનિયન), સંદીપ પટેલ (CJP સભ્ય) અને વિનય પાઠક ( કામદાર) સહિત 70થી વધારે કામદારોને ડિટેઈન કરવામાં આવ્યાં છે.