(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ર્ચિમ)માં ઘોડબંદર રોડ પર ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારત નજીક આવેલી ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ઘોડબંદર રોડ પર ચિતળસર માનપાડા નાકા નજીક હિલ ક્રિસ્ટ સોસાયટી પાસે આવેલી દુકાનો (ગાળા)માં ગુરુવારે વહેલી સવારના ૪.૨૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ૫૦૦ સ્કવેર ફૂટના ગાળામાં આવેલી માતેશ્ર્વરી થ્રી ડી આર્ટ નામની એક લેસર કટિંગ સર્વિસ યુનિટ સહિત ૧,૫૦૦ સ્કવેર ફૂટ અને ૯૦૦ સ્કવેર ફૂટની જગ્યામાં આવેલી સિરામિક ઘરવપરાશની વસ્તુઓ તથા ટાઇલ્સ વેચતી બે દુકાનોનો સમાવેશ થાય છે. સવારે ૫.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ ચોક્કસ જાણી શકાયું નહોતું.