Thu Oct 15 2026

Logo

ઈશા અંબાણીનું અસાઇનમેન્ટ જમા થયું નહીં અને જન્મ્યો 'જિયો'નો વિચાર! પછી બની ગઈ દુનિયાની દિગ્ગજ કંપની

2026-10-15 19:32:13
Author: Mumbai Samachar Team
ઈશા અંબાણીનું અસાઇનમેન્ટ જમા થયું નહીં અને જન્મ્યો 'જિયો'નો વિચાર! પછી બની ગઈ દુનિયાની દિગ્ગજ કંપની

મુંબઈઃ ટેલિકોમની દુનિયામાં જિયો શું છે એની ઓળખ આપવાની જરૂર નથી, પણ જિયોએ કરેલી ક્રાંતિના સાક્ષી દરેક દેશવાસીઓ છે. સૌથી વધુ ટેલિકોમ સબસ્ક્રાઈબર્સ અને ફ્રી ઈન્ટરનેટ સર્વિસ આપીને ટેલિકોમની દુનિયા બદલવામાં જિયોનો સિંહફાળો છે. સફળતાનો માઈલસ્ટોન ઊભો કરવા પાછળ દિગ્ગજ શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરીનું દિમાગ છે. ઈશા અંબાણી જિયોના સર્જન પાછળની વ્યક્તિ છે. જિયોનું સર્જન કેવી રીતે થયું એ અંગેનો એક કિસ્સો પણ રસપ્રદ છે. વાત મૂળ એવી હતી કે, ઈશા કૉલેજના દિવસોમાં પોતાનું એક અસાઈમેન્ટ ઓનલાઈન જમા કરાવી શકી નહોતી. દેશમાં ઈન્ટરનેટ ક્નેક્ટિવિટીની મુશ્કેલીનો સામનો કર્યો હતો. જિયોનો આઈડિયા અહીંયાથી જ આવ્યો. 

તકલીફમાંથી તકનું સર્જન

ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2009-10 દરમિયાન હું અને ભાઈ આકાશ અમેરિકાની એક કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. રજાઓના દિવસોમાં મુંબઈ આવ્યા હતા. આ દરમિયાન મારે એક કૉલેજનું અસાઈમેન્ટ ઓનલાઈન સબમિટ કરવાનું હતું, પણ ઘરમાં ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી યોગ્ય રીતે આવતી નહોતી. આ કારણે હું મારૂ અસાઈમેન્ટ જમા કરાવી શકી નહીં. 

આ નાનકડી મુશ્કેલી આગળ જતા એક મોટો વિચાર બીજ બની ગઈ.ચર્ચા એ સમયથી શરૂ થઈ કે, ભારતમાં ઈન્ટરનેટ ક્નેક્ટિવટીની સુવિધા અમેરિકાની તુલનામાં આટલી નબળી કેમ છે? દેશના લોકોને બેસ્ટ ક્નેક્ટિવિટી કેવી રીતે આપી શકાય?એ સમયે ભારતમાં ઈન્ટરનેટની સ્પીડ અને ક્નેક્ટિવિટી એક ચેલેન્જ હતી. ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર વધુ પૈસા ખર્ચવા પડતા હતા. મોબાઈલનો ડેટા પણ આજની જેમ સરળ નહોતો અને કિંમત પણ દરેકને પોસાય એવી નહોતી. 

હરીફ કંપનીઓને હંફાવી

આ વાત ઈશા અને આકાશે મહેસૂસ કરી. ઈન્ટરનેટ માત્ર એક વાતચીત કરવાનું માધ્યમ નહીં રહે. આવનારા સમયમાં અભ્યાસ, કારોબાર, મનોરંજન અને દૈનિક જીવનનો એક મહત્ત્વનો ભાગ બની રહેશે.  એવામાં ભારતના લોકોને સસ્તો ઈન્ટરનેટ ડેટા અને બેસ્ટ ક્નેક્ટિવિટી મળવી જરૂરી હતી. આ શક્યતાએ રિલાયન્સ ગ્રૂપમાં ડિજિટલ ક્નેક્ટિવિટીની શક્યતાઓના વિચાર માટે રસ્તો ખોલ્યો. સપ્ટેમ્બર 2016માં જિયોની ટેલિકોમ સેવા પહેલીવાર શરૂ થઈ. 
કંપનીએ પહેલા મફતમાં વોઈસ-કોલ અને ઓછી કિંમતમાં ઈન્ટરનેટ ડેટા આપ્યો. આનાથી મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ રાતોરાત વધી ગયો.આનાથી પરિણામ એ આવ્યું કે, અન્ય ટેલિકોમ કંપનીઓ પર પોતાની સર્વિસ તથા કિંમતમાં ફેરફાર કરવાનું પ્રેશર ઊભું થયું. જિયો આવ્યા બાદ ઓનલાઈન વીડિયો જોવા, ડિજિટલ પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને ઈન્ટરનેટ દ્વારા અભ્યાસ કરવો સરળ થયો હતો. એ પણ સામાન્ય માણસને ક્નેકટ થાય એ રીતે, પોસાય એ રીતે. 

દાયકાઓ સુધીનું પ્લાનિંગ

ઈશાએ પોતાની આ વાત એવા સમયે જાહેર કરી છે જ્યારે જિયો પ્લેટફોર્મ પોતાનો આઈપીઓ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે. કંપનીએ 30,213 કરોડ રૂપિયા એકઠા કરવા સુધીની યોજના સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરી દીધા છે. જિયોના સર્જનની આ કહાની એટલો મેસેજ આપે છે કે, દૈનિક જીવનામાં આવતી એક નાનકડી મુશ્કેલી પણ એક મોટા વેપારબીજને જન્મ આપી શકે છે. 

બેસ્ટ ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી સાથે શરૂ થયેલી આ ચર્ચા આગળ ચાલીને ભારતના ટેલિકોમ માર્કેટમાં એક મોટા પરિવર્તનનું કારણ બની ગઈ. જીયોની સફળતા પાછળ રોકાણ, ટૅક્નોલોજી, વેપાર અને સેલ્સની કેટલીય સ્ટ્રેટજી કારણભૂત છે. જે જિયોને સફળ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ગઈ. રિલાયન્સ માત્ર આજ અથવા કાલ પુરતુ સિમીત નથી. આગામી દાયકાઓ સુધી કામ કરી શકે એ વિચાર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. 

નાણાકીય શિસ્ત કંપનીના પાયામાં છે. વ્યાપારની એક શૈલી છે નવસર્જન, રોકાણ, કેશ, રેવન્યૂ અને ફરી એક નવસર્જનની પ્રક્રિયાનું પુનરાવર્તન. રિલાયન્સ કંપનીનો હેતુ દરેક ભારતીયને ભારતની સફળતાનો એક સભ્ય બનાવવાનો રહ્યો છે. જ્યારે જિયોનો મંત્ર છે સપના જોવાનું સાહસ કરો, કંઈક મોટું વિચારો અને તેને હાંસિલ કરવા માટે પ્રયત્નશીલ રહો.