ઇગતપુરી (મહારાષ્ટ્ર): ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન તથા ભરોસાપાત્ર બૅટ્સમૅન અને તાજેતરમાં જ નિવૃત્તિ લેનાર અજિંક્ય રહાણે (Rahane)એ ઇગતપુરીમાં પહાડોની વચ્ચે આલીશાન વિલા (Villa) બનાવ્યું છે જેની હાલમાં ખૂબ ચર્ચા છે.
ભારતના તેમ જ મુંબઈના આ ભૂતપૂર્વ ક્રિકેટરે સહ્યાદ્રિના પહાડોની વચ્ચે અને વૈતરણા સરોવરની નજીક બનાવડાવેલા આ શાનદાર વિલામાં પાંચ મોટા બેડરૂમ, સાત બાથરૂમ અને સુંદર ઇન્ફિનિટી પૂલ, સ્પોર્ટ્સ રૂમ છે. આ બંગલામાંથી પહાડોનો ખૂબસૂરત નઝારો જોવા મળે છે તેમ જ સરોવરની પણ ઝાંખી થાય છે. ટૂંકમાં, આ વિલા કુદરતી સૌદર્યંની વચ્ચે બનાવાયું છે.
આ લક્ઝુરિયસ હૉલિડે હોમને રહાણે અને તેના પરિવારે `રાયા એસ્ટેટ' નામ આપ્યું છે. કોવિડ-19 બાદ રહાણેએ આ વિલા બનાવડાવ્યું અને એમાં ખુલ્લી જગ્યા તેમ જ કુદરતી વાતાવરણ પર ખાસ ભાર આપ્યો હતો. રહાણેએ બાળપણની યાદોને પણ હળવા રંગોવાળા આ વિલાની ડિઝાઇનમાં સમાવી લીધી છે.

રહાણેએ એક રૂમ ખાસ કરીને ક્રિકેટને ડેડિકેટ કર્યો છે. રહાણેની ક્રિકેટ કરીઅર સાથે સંકળાયેલા આ રૂમમાં તેના યાદગાર મૅચોના સ્કોર્સની લાંબી યાદી તો છે જ, તેણે પોતાના બૅટ, બૉલ, કૅપ, ટીમ-જર્સી તેમ જ સાથી ખેલાડીઓની તસવીરો પણ આ રૂમમાં મૂકી છે. રહાણે આ રૂમને સૌથી ખાસ ગણે છે અને એમાં જ્યારે પણ જાય છે ત્યારે ભાવુક થઈ જાય છે. તે એક મુલાકાતમાં કહે છે, `હું જ્યારે પણ આ સ્પેશ્યલ રૂમમાં જાઉં છું ત્યારે મારા રૂંવાડા ઊભા થઈ જાય છે. મારા રોમાંચ અને ભાવુકતાની લાગણીની કોઈ સીમા નથી હોતી.'