Thu Oct 15 2026

Logo

કૉમન સેન્સનો અભાવ, ટીમ મૅનેજમેન્ટે કુલદીપને ન રમાડીને ભૂલ કરીઃ અશ્વિન

2026-10-15 17:23:12
Author: Ajay Motiwala
કૉમન સેન્સનો અભાવ, ટીમ મૅનેજમેન્ટે કુલદીપને ન રમાડીને ભૂલ કરીઃ અશ્વિન

નવી દિલ્હીઃ બુધવારે ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટી-20માં માત્ર 24 રનથી પરાજય થતાં શ્રેણી 2-2થી બરાબરીમાં થઈ ગઈ અને હવે શ્રેયસ ઐયરની ટીમે ટ્રોફી પર કબજો કરવા શનિવારે અંતિમ મૅચ જીતવી જ પડશે અને એ માહોલમાં સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિન (Ashwin)એ બુધવારે ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે કરેલી ભૂલ વિશે પોતાની યુટ્યૂબ ચૅનલ પર મંતવ્યો આપ્યા છે.

ટીમ મૅનેજમેન્ટમાં કૅપ્ટન, હેડ-કોચ, મુખ્ય કોચિંગ સ્ટાફ, વાઇસ કૅપ્ટન અને સિનિયર ખેલાડીઓનો સમાવેશ હોય છે. બુધવારે વેસ્ટ ઇન્ડિઝે કૅપ્ટન શાઇ હોપના અણનમ 102 રનની મદદથી ત્રણ વિકેટે 247 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને 223 રન સુધી સીમિત રાખીને 24 રનથી વિજય મેળવ્યો હતો.

ચાઇનામૅન તરીકે ઓળખાતા લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ (Kuldeep)ને શ્રેણીની પહેલી બે મૅચમાં રમાડવામાં આવ્યો હતો. પ્રારંભિક મૅચમાં તેણે 33 રનમાં બે વિકેટ લીધી હતી, પણ બીજી મૅચમાં 53 રનમાં એકેય વિકેટ નહોતો લઈ શક્યો. તેને પછીની બે મૅચની પ્લેઇંગ-ઇલેવનમાં નહોતો સમાવવામાં આવ્યો. અશ્વિને કહ્યું છે કે `બુધવારની ચોથી મૅચમાં કુલદીપ યાદવને રમાડવો જોઈતો હતો. નવાઈની વાત એ છે કે જે પિચ પર થોડા બાઉન્સ મળતા હતા. કૅરિબિયન બૅટ્સમેનોને કુલદીપના ગૂગલી અને લેગ-સ્પિન સામે રમવામાં મુશ્કેલી થતી હોય છે. કૉમન સેન્સ છે કે આવી સ્થિતિમાં કુલદીપને રમાડવો જ જોઈતો હતો. તેની હાજરીથી વેસ્ટ ઇન્ડિઝના ટોટલમાં 15થી 20 રન ઓછા હોત જ.

કુલદીપે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝની ત્રણ મૅચમાં સાત વિકેટ લીધી હતી. જોકે ટી-20માં બૅટ્સમેનો વધુ આક્રમક મૂડમાં રમતા હોવાથી ટીમ સિલેક્શનના અભિગમમાં ફેરફાર જોવા મળતો હોય છે. અશ્વિનની ટકોરથી હવે શનિવારની બેંગ્લૂરુની મૅચમાં કુલદીપને રમાડવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું.