Thu Oct 15 2026

Logo

પત્નીની હત્યા, સાસુને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પતિએ કરી આત્મહત્યા

2026-10-15 17:22:00
Author: Yogesh D. Patel
પત્નીની હત્યા, સાસુને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પતિએ કરી આત્મહત્યા

હિંગોલી: હિંગોલી જિલ્લામાં 24 વર્ષની પત્નીને મોતને ઘાટ ઉતારી અને સાસુને ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી હતી. જિલ્લાના ખારવાડ ગામમાં બુધવારે સાંજે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દીપાલી ડોંગરે (24)ના તેના પતિ વિશાલ સંતોષ ડોંગરે સાથે તણાવપૂર્ણ સંબંધ હતા, જે કલમનુરી તહેસીલના ધનોરા જહાંગીર ગામમાં રહેતો હતો. દીપાલી ડોંગરે છેલ્લા કેટલાક મહિનાથી ખારવાડ ગામમાંના ખેતરમાં આવેલા ઘરમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી.

વિશાલ બુધવારે સાંજે છ વાગ્યાની આસપાસ દીવાલીને મળવા ખેતરમાંના ઘરમાં ગયો હતો, જ્યાં ઘરે પાછા ન ફરવા અને પોતાનાં માતા-પિતા સાથે રહેવાના દીવાલીના નિર્ણયને લઇ તેનો વિશાલ સાથે ઝઘડો થયો હતો. 
ઝઘડો ઉગ્ર બનતાં વિશાલ ઉશ્કેરાયો હતો અને તેણે જૂના ખાટલાના લાકડાથી દીપાલીના માથા પર, પેટ અને ચહેરા પર પ્રહાર કર્યા હતા. હુમલામાં દીપાલીને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું મૃત્યુ થયું હતું. દીપાલીને બચાવવા માટે તેની માતા કમલાબાઇ પ્રભાકર પૈંકરાવ (45) વચ્ચે પડતાં વિશાલે તેના પર પણ હુમલો કર્યો હતો.

કમલાબાઇનો પતિ અને પુત્ર ઘરમાં દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. બાદમાં તેમણે ઘટનાની જાણ પોલીસને કરી હતી.

દરમિયાન ઘરથી થોડા અંતરે વિશાલ પણ વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)