હૈદરાબાદ: અહીં બુધવારે વેસ્ટ ઈન્ડિઝ (20 ઓવરમાં 3/247)એ ભારત (19.3 ઓવરમાં 223 રન) સામેની ચોથી ટી-20 મૅચ 24 રનથી જીતીને પાંચ મૅચની સિરીઝ 2-2ની બરાબરીમાં કરીને વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને વળતો જવાબ આપ્યો, પરંતુ એના એક ફાસ્ટ બોલરના વર્તન વિશે બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસ્કર ખૂબ ગુસ્સામાં છે.
વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ફાસ્ટ બોલર શમાર જોસેફે ભારતના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને બૅટિંગમાં દસમા નંબર પર આવેલા અર્શદીપ સિંહ (ચાર બૉલમાં પાંચ રન)ને બૅટિંગ દરમ્યાન ખભામાં ઈજા થઈ હોવા છતાં તેને વારંવાર ટાર્ગેટ બનાવ્યો એ બદલ ગાવસકર ખૂબ ક્રોધિત છે. ગાવસકરે શમાર જોસેફની ખેલદિલી સામે સવાલ ઉઠાવ્યો છે.
ભારત 248 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું અને છેલ્લી પળોમાં હારવાની તૈયારીમાં હતું ત્યારે આ ઘટના બની હતી. શમાર જોસેફે એક શૉર્ટ બૉલ ફેંક્યો હતો. એ બાઉન્સરમાં બૉલ અર્શદીપને ખભા પર વાગ્યો હતો.

અર્શદીપ સામે જોસેફની બૉડીલાઈન બોલિંગ
ભારતે એ સમયે જીતવા માટે ત્રણ બૉલમાં 30 રન બનાવવાના હતા જે અસંભવ હતું. જોકે અર્શદીપ ખભા પર બૉલ વાગવા છતાં રમતો રહ્યો હતો. ફિઝિયોની મદદ લીધા પછી પણ અર્શદીપે બૅટિંગ છોડી નહોતી. કેપ્ટન શ્રેયસ ઐયરે અર્શદીપને પાછા આવી જવા કહ્યું હતું છતાં તે રમતો રહ્યો હતો. શમાર જોસેફે સતત બીજો બૉલ અર્શદીપને ટાર્ગેટ બનાવીને ફેંક્યો હતો. ઈજાગ્રસ્ત અર્શદીપ શૉટ મારવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તેના ત્રણેય સ્ટમ્પ્સ ખુલ્લા જોવા મળતા હતા. એમ છતાં, જોસેફે સ્ટમ્પ્સને લક્ષ્યાંક બનાવવાને બદલે અર્શદીપને ફરી એકવાર બૉલ વાગે એ રીતે ફેંક્યો હતો. અર્શદીપ બૉલને ફટકારવાના પ્રયાસમાં ચોગ્ગો તો નહોતો ફટકારી શક્યો, પરંતુ એ વાઈડ બૉલ બાઉન્ડરી લાઈનની બહાર જતો રહ્યો હતો અને ભારતીય ટીમને વાઈડના એક રન ઉપરાંત બાય તરીકે ચાર રન પણ મળ્યા હતા.
ગાવસકરે ગુસ્સામાં શું કહ્યું?
સુનીલ ગાવસકર (Gavaskar) કૉમેન્ટરી બૉક્સમાં બેઠા હતા અને તેઓ શમાર જોસેફનું વર્તન જોઈને ક્રોધિત થયા હતા. તેઓ બોલ્યા, ‘શમાર શા માટે અર્શદીપને ટાર્ગેટ બનાવે છે? ત્રણેય સ્ટમ્પ ખુલ્લા દેખાઈ રહ્યા છે છતાં તે બૉલથી અર્શદીપ પર કેમ આક્રમણ કરી રહ્યો છે?'
ત્યાર બાદ અર્શદીપ (Arshdeep) ખભાનો દુખાવો સહન ન થતાં રિટાયર હર્ટ થઈ ગયો હતો અને ભારત (India)નો દાવ 223 રન પર સમેટાઇ જતાં ભારતનો 24 રનથી પરાજય થયો હતો.

શાઈ હોપ મૅન ઑફ ધ મૅચ
ભારતના આ પ્રવાસમાં ચોથી સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન, ઓપનર અને વિકેટકીપર શાઈ હોપ (102 અણનમ, 50 બૉલ, નવ છગ્ગા, ચાર ચોગ્ગા)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શમાર જોસેફને 47 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. જોકે પેસ બોલર કીમો પૉલે 41 રનમાં પાંચ વિકેટ મેળવી હતી.બે વિકેટ સ્પિનર ગુડાકેશ મૉટીને મળી હતી.
West Indies level the series 2-2. An important decider awaits in Bengaluru on Saturday. Scorecard https://t.co/ksuQbTW6n5 #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/i7juMPuEe9
— BCCI (@BCCI) October 14, 2026