મદુરાઈ: દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને મીઠાઈ અને ભેટ આપીને ખુશીઓ વહેંચે છે, પરંતુ તમિલનાડુના મદુરાઈમાં રહેતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વીરમણિ સાથે કંઈક એવું બન્યું કે તે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. દિવાળીએ મીઠાઈનું બોક્સ મળે તેવી આશાએ તેણે સોશિયલ મીડિયા પર પોતાનું સરનામું અને ફોન નંબર શેર કર્યો હતો. જોકે, મીઠાઈના બદલે તેના ઘરે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને સ્માર્ટફોન જેવા મોંઘા સામાનના ઓર્ડર પહોંચવા લાગ્યા હતા.
મીઠાઈ માટે શેર કર્યું હતું સરનામું
અહેવાલ અનુસાર, મદુરાઈના ઇન્ફ્લુએન્સર વીરમણિએ પોતાના ફોલોઅર્સને દિવાળીના અવસર પર મીઠાઈનું બોક્સ મોકલવાની અપીલ કરી હતી. આ માટે તેણે પોતાનું ઘરનું સરનામું અને મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. પરંતુ કેટલાક લોકોએ આ માહિતીનો દુરુપયોગ કરીને તેના નામ અને સરનામે મોંઘી વસ્તુઓના ખોટા ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હતું. આ ઓર્ડર કેશ ઓન ડિલિવરી (સીઓડી) હેઠળ કરવામાં આવતા હોવાથી ડિલિવરી સમયે પૈસા ચૂકવવાની જવાબદારી તેના પર આવતી હતી.
અડધા કલાકમાં 15થી વધુ ઓર્ડર
વારંવાર આવતા ઓર્ડરને કારણે વીરમણિની મુશ્કેલીઓ વધી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, માત્ર અડધા કલાકમાં 15થી વધુ ઓર્ડર આવી ગયા હતા. આ ઓર્ડરમાં ટીવી, ફ્રિજ, એર કન્ડિશનર (એસી), વોશિંગ મશીન અને સ્માર્ટફોન જેવી મોંઘી વસ્તુઓનો સમાવેશ થતો હતો. આટલી બધી વસ્તુઓ ખરીદવા માટે તેની પાસે પૈસા ન હોવાથી તેઓ પરેશાન થઈ ગયો હતો.
એક ટીવીનો ઓર્ડર રૂ. 1.69 લાખનો
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે એક ટીવીના ઓર્ડરની કિંમત આશરે રૂ. 1.69 લાખ હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના ડિલિવરી એજન્ટ પણ તેના ઘરે ખાવાના ઓર્ડર લઈને પહોંચવા લાગ્યા હતા. સતત આવતા ડિલિવરીના ઓર્ડરને કારણે વીરમણિ માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.
અપીલ છતાં ઓર્ડર બંધ ન થયા, શહેર છોડવાની વાત કરી
વીરમણિએ લોકોને આવા ખોટા ઓર્ડર આપવાનું બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેમ છતાં આ સિલસિલો અટક્યો નહીં. સતત ડિલિવરી માટે આવતા કર્મચારીઓ અને પરિસ્થિતિને કારણે ઊભી થતી નારાજગીથી તે કંટાળી ગયો હતો. આખરે તેણે શહેર છોડીને જવાની વાત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બાદમાં તેના ઘરને તાળું લાગેલું જોવા મળ્યું હતું અને પડોશીઓએ જણાવ્યું હતું કે તે ત્યાંથી જતો રહ્યો હતો.