અમદાવાદ: હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે, નવરાત્રિ દરમિયાન નાસ્તામાં મોટા પાયે ટોમેટો સોસનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ગેરકાયદે ફેક્ટરી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી.
બહેરામપુરા વોર્ડમાં આવેલા દાણીલીમડા-પીરાણા રોડ પરના એક એસ્ટેટમાં લાયસન્સ વિના, અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં ચાલતા નકલી ટોમેટો સોસ બનાવવાના યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે સ્થળ પરથી આશરે 2000 કિલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કરી સમગ્ર એકમને તાત્કાલિક અસરથી સીલ કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બહેરામપુરા વિસ્તારમાં ફાસ્ટફૂડ, સેન્ડવીચ અને બર્ગરમાં વપરાતા ટેસ્ટી સ્નેક્સ ટચઅપ નામના ટોમેટો સોસના ઉત્પાદન એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે સોસ બનાવવા માટે ટામેટાં કે યોગ્ય ગુણવત્તાવાળા ઘટકોના બદલે બટાકાનો પાવડર અને વધુ પડતા પ્રમાણમાં એસિડિક કલર જેવા હાનિકારક પદાર્થોનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવતો હતો.
સ્થળ તપાસ દરમિયાન યુનિટ સંચાલક પાસે માન્ય ફૂડ લાઇસન્સ નહોતું. જે જગ્યાના નામે લાયસન્સ દર્શાવવામાં આવ્યું હતું તેનું સરનામું પણ ખોટું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ઉત્પાદન માટે વપરાતા કાચા માલ કે તૈયાર જથ્થાના કોઈ સત્તાવાર બિલ પણ સંચાલકો રજૂ કરી શક્યા નહોતા. યુનિટમાં ચારે તરફ ગંદકી અને અત્યંત બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળી હતી.
આ નકલી સોસ ટચઅપ બ્રાન્ડના નામે શહેરની વિવિધ દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર સપ્લાય કરવામાં આવતો હતો. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી 2000 કિલો જેટલો શંકાસ્પદ કાચો માલ તથા તૈયાર સોસ જપ્ત કર્યો હતો. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેવા આ સમગ્ર જથ્થાનો નિયમ મુજબ નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.