(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:દિવાળીના તહેવારમાં આવતી રજામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં થતા ધસારાને પગલે બસના ભાડામાં ૧૫ ટકાનો ભાડા વધારો કરવાના પ્રસ્તાવને રાજ્યની દુકાળગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યો છે.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે દિવાળીના ધસારાની મોસમ માટે પ્રસ્તાવિત ૧૫ ટકા મોસમી ભાડા વધારાને નકારી કાઢ્યો છે અને કહ્યું હતું કે રાજ્યમાં રહેલા દુકાળને કારણે પીડિત ખેડૂતો, સામાન્ય નાગરિકો અને પરિવારને આર્થિક રીતે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જનતા પર ભાડા વધારાનો બોજ યોગ્ય નથી.
દર વર્ષે દિવાળીની પીક સિઝનમાં એસટી પેસેન્જર ભાડામાં સિઝનલ વધારો કરવામાં આવે છે. આ વર્ષે પણ એસટી વહીવટીતંત્રે ૧ થી ૧૫ નવેમ્બર ૨૦૨૬ સુધી મુસાફર ભાડામાં ૧૫ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે, પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો પર વધુ બોજ નાખવો યોગ્ય નથી તેવું વલણ લઈને એસટીના અધ્યક્ષે પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, પહેલેથી જ સમસ્યાઓથી ઘેરાયેલા લોકોના ઘા પર ભાડા વધારાની થપ્પડ મારીને મીઠુ ચોળવું યોગ્ય નથી. એસટીને આર્થિક નુકસાન વેઠવું પડતું હોવા છતાં સામાન્ય મુસાફરો પાસેથી સરભર કરવું વ્યાજબી નથી.
એસટીની ‘લાલપરી’ એ ગ્રામીણ મહારાષ્ટ્રના લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે. તે ખેડૂતો, ખેતમજૂરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને કામદાર વર્ગ માટે પરવડે તેવી મુસાફરીનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે. આથી, ભાડા વધારાની સીધી અસર તેમના દૈનિક ખર્ચ પર પડશે. ખાસ કરીને દુષ્કાળગ્રસ્ત પરિવારો માટે આ વધારાનો બોજ સહન કરવું મુશ્કેલ બન્યું હોત. એસટી કૉર્પોરેશનની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા માટે વૈકલ્પિક ઉપાયો શોધવા પર ધ્યાન આપશે એવું એસટીના અધ્યક્ષે કહ્યું હતું.