(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો રેલવે ઓવરબ્રિજ (આરઓબી)ને પૂર્ણ કરીને ખુલ્લો મૂકવાની મુદત લંબાઈ ગઈ છે. સાયન આરઓબીનું કામ પૂરું કરવા અગાઉ ૩૧મે, ૨૦૦૬ની ડેડલાઈન હતી, જે હવે લંબાવીને ૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ કરી નાખવામાં આવી છે. સાયન રેલવે સ્ટેશન પર આવેલો એક સદી જૂનો આ બ્રિજ ઑગસ્ટ ૨૦૨૪થી ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ પાલિકા દ્વારા મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે આ બ્રિજનું કામ કરી રહી છે.
દક્ષિણ મુંબઈને ઉપનગરો સાથે જોડતા સાયન બ્રિજનો ખર્ચ ૪૨.૮૩ કરોડ રૂપિયાથી વધીને ૪૯.૯૬ કરોડ રૂપિયા થઈ ગયો છે. સ્ટીલના ગર્ડર અને એપ્રોચ રોડના વિકાસને કારણે આ ખર્ચમાં વધારો કરવાનો પ્રસ્તાવ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શુક્રવારે અંતિમ મંજૂરી માટે આવ્યો હતો, જોકે સમિતિના સભ્યોએ પુલના વધી ગયા ખર્ચની સાથે જ તેને ખુલ્લો મૂકવામાં થઈ રહેલા વિલંબ બદ્લ ચિંતા વ્યક્ત કરી હતી.
નગરસેવકોએ ફેરિયાઓદ્વારા આ વિસ્તારમાં કબજો જમાવી દેવાને કારણે રાહદારીઓની સાથે સ્કૂલ, કોલેજમાં જતા વિદ્યાર્થીઓને સાંકડી ગલીઓમાં જવું પડે છે. સાયનમાં અનેક સ્કૂલ અને કોલેજ આવેલી છે અને આરઓબીના કામમાં થઈ રહેલા વિલંબને કારણે રાહદારીઓની સાથે જ ટ્રાફિકને પણ તકલીફ થઈ રહી છે એવી ફરિયાદ નગરસેવકોએ કરી હતી.
એડિશનલ કમિશનર બિપિન શર્માએજણાવ્યું હતું કે આ બ્રિજ ૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકા દ્વારા રેલવેની હદમાં ચાલી રહેલા બાંધકામ પર નજર રાખી રહી છે. રેલવે દ્વારા ૩૧મે સુધીમાં અંતિમ ગર્ડર બેસાડવામાં આવશે. પશ્ર્ચિમ બાજુનું તમામ કામ પૂર્ણ કરશે. જયારે પૂર્વ બાજુનુું કામ ૩૦થી ૪૫ દિવસ લેશે. અગાઉ ૧૫ જુલાઈ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો પણ હવે એક મહિનો વધુ લંબાઈને હવે ૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ના કામ પૂર્ણ કરીને બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.