Tue Oct 20 2026

Logo

Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યો જાણીતો સિંગર... કહ્યું  20 વર્ષ પહેલાંની સુરક્ષિત મુંબઈ હવે...

2026-10-19 17:15:39
Author: Darshana Visaria
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યો જાણીતો સિંગર... કહ્યું  20 વર્ષ પહેલાંની સુરક્ષિત મુંબઈ હવે...

બોલીવૂડ એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ગોળીબાર બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ભરબજારે થયેલા આ હુમલા બાદ સેલિબ્રિટીઝની સુરક્ષા અને માયાનગરીની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટના પર બોલીવૂડના જાણીતા સિંગર મિકા સિંહે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કર્યો છે. મિકા સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 20 વર્ષ પહેલાં જે મુંબઈ દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર ગણાતું હતું, તે સ્થિતિ હવે રહી નથી.

પોતાના વીડિયોમાં મિકા સિંહે ટાઇગર શ્રોફના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરતાં ભૂતકાળના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, હું 2005માં દિલ્હી અને પંજાબથી મુંબઈ આવ્યો હતો. ત્યારે હું દરેક જગ્યાએ ગર્વથી કહેતો હતો કે મુંબઈ વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર છે અને અહીંના લોકો ખૂબ સારા છે. પરંતુ આજના સંજોગો જોતાં એ માત્ર વાતો કહેવા પૂરતી રહી ગઈ હોય તેવું લાગે છે.

મિકા સિંહે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે, ચારેબાજુ ગરબા અને દાંડિયાનો માહોલ છે. આવા ઉત્સવના વાતાવરણ વચ્ચે આટલી મોટી ઘટના બની ગઈ. આજે ટાઇગર સાથે થયું છે, કાલે કોઈની પણ સાથે થઈ શકે છે. સિંગરે સરકાર અને પોલીસ તંત્રને હાથ જોડીને વિનંતી કરી છે કે ગુંડાગીરી ડામવા માટે તાત્કાલિક અત્યંત કડક પગલાં લેવામાં આવે.

જુહુમાં બની હતી ઘટના, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
18 ઓક્ટોબરના રોજ જુહુ વિસ્તારમાં ફૂટબોલ મેચ રમીને કારમાં પરત ફરી રહેલા ટાઇગર શ્રોફ પર હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર કર્યો હતો. સદનસીબે ટાઇગર શ્રોફ આ હુમલામાં બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવર સહિત એક વ્યક્તિ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટ સાથે જોડાયેલા શખ્સોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો ક્લિપ શેર કરીને હુમલાની જવાબદારી લીધી હતી, જેનાથી સમગ્ર બોલીવૂડમાં ફફડાટ ફેલાયો છે.

રાજસ્થાનથી ઝડપાયા 3 શૂટર્સ, 1 સગીર હોવાનો ખુલાસો
મુંબઈ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારા ત્રણેય શૂટર્સને રાજસ્થાનથી દબોચી લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ આ શૂટર્સને ક્યાંથી હથિયારો મળ્યા અને તેમને કોણે સોપારી આપી હતી તે અંગે સઘન પૂછપરછ કરી રહી છે.