Thu Jun 18 2026

Logo

ગુજરાતની રબારી જ્ઞાતિની જાણીતી ગાયિકાએ આંજણા પટેલ જ્ઞાતિના યુવકને પરણતાં ભારે બબાલ, ધમકીઓ મળતાં પોલીસ રક્ષણ માંગ્યું

2026-03-12 14:34:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં વધુ સિંગરના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ સામે આવ્યો છે. રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને તેની અને તેના પતિની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. કિંજલ રબારીએ જાનનું જોખમ હોવાનું કહીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી.

રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા.જે બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી છે કે, મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહીં.

પોલીસ સુરક્ષાની માગ કરતા કિંજલ રબારીએ કહ્યુ કે, અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે. મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.

જાણો કોણ છે કિંજલ રબારી

રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.


કિંજલ દવે પણ આવી હતી ચર્ચામાં

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી. જે બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેને ન્યાત બહાર કરી હતી. જે બાદ કિંજલે સમાજ સામે બંડ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવિન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી.

સિંગર આરતી સાંગાણીએ પણ કર્યા હતા પ્રેમલગ્ન

કિંજલ દવે બાદ સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાણીએ પણ તબલા વાદક યુવક દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના આંતરજ્ઞાતિય લગ્નના કારણે પાટીદાર સમાજ રોષે ભરાયો હતો અને કાર્યક્રમો રદ કરાવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ વિવાદ શાંત પડી ગયો હતો.

થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં સુધારા કરશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.  

ગુજરાત સરકારે કરેલી જાહેરાતમાં ગુજરાતમાં ભવિષ્યમાં કોર્ટ મેરેજ માટે કઈ પ્રક્રિયાને અનુસરવાનું રહેશે તેની આખી રૂપરેખા અપાઈ હતી. આ રૂપરેખા પ્રમાણે, લવ મેરેજ કરવા માગતાં યુવક-યુવતી મેરેજ રજિસ્ટ્રારને ત્યાં રજિસ્ટે્રશન કરાવે કે તરત તેમનાં મા-બાપને વોટ્સએપ મેસેજ મારફતે કે પછી પત્ર મોકલીને રજિસ્ટે્રશન કરાવ્યાની જાણ થશે. આ જાણ 10 દિવસમાં કરવાની છે ને તેનો મતલબ એ કે, મેરેજ રજિસ્ટ્રારે પ્રેમ લગ્ન માટે માતાપિતાને ફરજિયાત 10 દિવસની નોટિસ આપવાની રહેશે. 

પહેલાં રજિસ્ટે્રશનના 30 દિવસમાં મેરેજે રજિસ્ટર્ડ એટલે કે લગ્નની નોંધણી થઈ જતી પણ નવા નિયમમાં રજિસ્ટે્રશન કરાવ્યાના 10 દિવસમાં માતા-પિતાને જાણ કરવાની હોવાથી 40 દિવસમાં લગ્નની નોંધણી થશે. નવા નિયમમાં રજિસ્ટે્રશન વખતે માતા-પિતાના આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા પણ આપવા પડશે.  માતા-પિતાના આધાર કાર્ડની ચકાસણી પણ ફરજિયાત કરાઈ છે અને કોર્ટ મેરેજની તમામ વિગતો માટે ખાસ  ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે.