Tue Aug 18 2026

Logo

રાજ્યભરમાં શ્રાવણ માસનો ઉત્સાહભેર પ્રારંભ: સોમનાથથી સુરત સુધી દેવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર

2026-08-13 22:28:52
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતી વિક્રમ સંવત 2082ના પવિત્ર શ્રાવણ માસનો 13મી ઓગસ્ટથી રાજ્યભરમાં ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો હતો. શિવભક્તો માટે આરાધનાના પર્વ સમાન આ મહિનો 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. શ્રાવણ માસની શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું હતું અને મંદિરોમાં 'હર હર મહાદેવ' તથા 'ઓમ નમઃ શિવાય'ના નાદ ગુંજી ઉઠ્યા છે. આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખીને શિવલિંગ પર દૂધ અને બિલિપત્રનો અભિષેક કરી રહ્યા છે. આ વર્ષે શ્રાવણમાં નાગ પંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસ જેવા અનેક મહત્વના તહેવારોની હારમાળા પણ ભક્તિના આ માહોલમાં રંગ ઉમેરશે.

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો અનેરો મહિમા જોવા મળ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની પ્રાત: મહાપૂજા કરવામાં આવી હતી. શ્રાવણના પ્રથમ દિવસની દાદાની મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મંદિર પરિસરમાં 51 વેદી સાથે મહામૃત્યુંજય જાપની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.  દેવભૂમિ દ્વારકા સ્થિત બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં દેશભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ અહીં 'બમ બમ ભોલે'નો જયઘોષ સાંભળવા મળ્યા હતા. 

'છોટી કાશી' તરીકે પ્રખ્યાત જામનગરના શિવાલયોમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. બીજી તરફ, રાજકોટના ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિરે પ્રથમ દિવસે જ મહાપૂજા, વિશેષ અભિષેક, લઘુરુદ્રી અને ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ દાદાના દર્શન કર્યા હતા. 

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ શ્રાવણનો પ્રારંભ ભારે ઉત્સાહથી થયો હતો. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ 'ઇચ્છાનાથ મહાદેવ' મંદિરે શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. વિશેષ વાત એ છે કે આખા ગુજરાતમાં આ એકમાત્ર એવું ધાર્મિક સ્થળ છે જેનો સંપૂર્ણ વહીવટ કોઈ ટ્રસ્ટ નહીં પરંતુ સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત, ભરૂચના જંબુસર પાસે કંબોઇમાં આવેલા સ્તંભેશ્વર તીર્થમાં પણ અનેરી આસ્થા જોવા મળી રહી હતી. આ એ જ અનોખું મંદિર છે જ્યાં દરિયામાં આવતી ભરતી વખતે શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ખુદ સમુદ્ર દેવતા દિવસમાં છ વખત મહાદેવનો જળાભિષેક કરે છે. વડોદરા શહેર અને કરનાળીના કુબેર ભંડારીમાં પણ શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું.

ઉત્તર ગુજરાત અને ખેડા પંથકમાં પણ વહેલી પરોઢથી જ દેવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી. ખેડાના રઢુ ગામે આવેલા પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરમાં ભક્તો દર્શન માટે કતારબદ્ધ ઊભા જોવા મળ્યા હતા. સાબરકાંઠામાં હિંમતનગર ખાતે હાથમતી નદીના કિનારે બિરાજમાન ઝરણેશ્વર અને સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવના મંદિરે પણ લોકોની અપાર શ્રદ્ધા જોવા મળી હતી. શિવપૂજા માટે અતિ પવિત્ર મનાતા એવા શ્રાવણના ચાર સોમવાર આ વર્ષે 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ભક્તિનો આ માહોલ વધુ ઘેરો બનશે.