Fri Aug 21 2026

Logo

અમદાવાદમાં રીડેવલપમેન્ટનું મોટું માર્કેટ: 25 ટકા ઇમારતો 30 વર્ષ જૂની, આ 5 વિસ્તારો મોખરે

2026-08-18 09:25:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ શહેરમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. શહેરની 25 ટકા ઈમારતો 30 વર્ષથી વધુ જૂની છે. જ્યારે 7 ટકા ઈમારતો 40 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. જેના કારણે રીડેવલપમેન્ટ માટે મોટો અવકાશ હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે.

કેવી સોસાયટીમાં થઈ શકે રીડેવલપમેન્ટ

શહેરની એક જાણીતી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, શહેરમાં 26 ટકા સોસાયટીએ 30 વર્ષથી જૂની છે. જેમાં 19 ટકા સોસાયટીઓ 30 થી 40 વર્ષ જૂની છે. જ્યારે 7 ટકા સોસાયટીઓ 40 વર્ષ કરતાં વધારે જૂની છે. વર્તમાન નિયમો મુજબ, કોઈપણ રહેણાંક સોસાયટી કે બિલ્ડિંગમાં 25 વર્ષ બાદ રીડેવલપમેન્ટ થઈ શકે છે, જેના કારણે આ તમામ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે પાત્ર બને છે.

આ 5 વિસ્તારમાં સૌથી વધુ રીડેવલપમેન્ટ

RERAમાં નોંધાયેલા વર્તમાન પ્રોજેક્ટ્સ મુજબ, રીડેવલપમેન્ટના 70 ટકા પ્રોજેક્ટ્સ નવરંગપુરા, પાલડી, વાસણા, મણિનગર અને નારણપુરા એમ 5 વિસ્તારમાં નોંધાયા છે. આ પાંચ વિસ્તારો જ શહેરના કુલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં 70 ટકા હિસ્સો ધરાવે છે, એટલે કે આ વિસ્તારોમાં સૌથી વધુ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે.  રેરા-રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સના વિશ્લેષણ મુજબ, નવરંગપુરામાં 44 પ્રોજેક્ટ્સ નોંધાયા હતા, ત્યારબાદ પાલડીમાં 36, વાસણામાં 26 અને મણિનગર તેમજ વાસણા/અન્ય વિસ્તારોમાં 18-18 પ્રોજેક્ટ્સ નોંધાયા હતા.

45 ટકા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ આવે છે આ ઝોનમાં

સૂત્રોએ જણાવ્યું કે, ઇમારતોની વયનું વિશ્લેષણ દર્શાવે છે કે લગભગ 26 ટકા રહેણાંક ઇમારતો 30 વર્ષથી વધુ જૂની છે, જેમાંથી 7 ટકા ઇમારતો 40 વર્ષથી વધુ જૂની છે. રીડેવલપમેન્ટ હાલ અમુક વિસ્તારો પૂરતું સીમિત છે, પરંતુ જો ચોક્કસ શરતો પૂરી થાય તો શહેરમાં આ ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ રહેલી છે. 
અભ્યાસના આંકડા રીડેવલપમેન્ટ પ્રવૃત્તિ અને નિયમનકારી વાતાવરણ વચ્ચે મજબૂત જોડાણ પણ દર્શાવે છે. તેમાં જાણવા મળ્યું છે કે 45 ટકા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ઝોન હેઠળ આવે છે, જ્યાં અનુમતિપાત્ર ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) 4 છે. પ્લોટનું કદ અને રસ્તાની સુવિધા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. લગભગ 71 ટકા પ્લોટ 2,000 ચોરસ મીટરથી નાના હતા અને 61 ટકા પ્લોટ 18 મીટરથી સાંકડા રસ્તાઓ પર આવેલા હતા.

શું પડી રહી છે મુશ્કેલી

સૂત્રો મુજબ જણાવ્યું હતું કે, રીડેવલપમેન્ટ માટે મુખ્ય પરિબળ પ્લોટ પર ઉપલબ્ધ મહત્તમ એફએસઆઈ અને હાલમાં વપરાયેલી એફએસઆઈ વચ્ચેનો તફાવત છે. તેમણે કહ્યું, આ તફાવત જેટલો વધારે હશે, તેટલી જ સોસાયટી અને ડેવલપર વચ્ચે મોટા મકાનો મેળવવા માટે વાટાઘાટોની તકો વધશે. ડેવલપર્સ માટે આ પ્રોજેક્ટ્સ ફાયદાકારક છે. કારણ કે ત્યાં પહેલેથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય છે અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સની સરખામણીએ ખર્ચ બચે છે, પરંતુ પાર્કિંગ એક મોટી સમસ્યા છે. 2001ના નિયમો હેઠળ બનેલી સોસાયટીઓને થોડી મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમાં બાલ્કનીઓને એફએસઆઈમાંથી મુક્તિ મળતી નથી, જેથી બિલ્ડરો માટે નેટ ગેઇન માત્ર 20 ટકા જેટલો જ રહે છે.

લોકો સ્થાનિક વિસ્તાર છોડવા નથી માંગતા

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા અને વાડજ જેવા વિસ્તારોમાં સૌથી વધુ જૂની સોસાયટીઓ છે જ્યાં રીડેવલપમેન્ટની મોટી શક્યતાઓ છે. જો રહેવાસીઓને તે જ જગ્યાએ પાર્કિંગની જગ્યા અને આધુનિક સુવિધાઓ મળતી હોય, તો તેઓ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. લોકો તેમનો સ્થાનિક વિસ્તાર છોડવા માંગતા ન હોવાથી રીડેવલપમેન્ટ માટે વિશાળ સંભાવનાઓ ઊભી થઈ છે.  

અમદાવાદમાં કયા વર્ષે કેટલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ 

2016:4 
2017: 7 
2018: 15 
2019: 22 
2020: 12 
2021: 31 
2022: 32 
2023: 43 
2024: 24 
2025: 21