ઉના: ગીરગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં દીપડાના હુમલાની કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું હતું. સણોસરીના ખંભાળા વિસ્તારમાં બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં ગોધરાના ગિરીશભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા દોઢથી બે મહિનાથી ખેતમજૂરી માટે રહેતો હતો. આશરે રાત્રે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં પરિવાર ધાબા પર સૂવા ગયો હતો. મધરાત બાદ અચાનક દીપડો ધાબા પર પહોંચ્યો અને ત્રણ વર્ષના ચેતનને ઉઠાવીને નજીકના ખેતર તરફ ભાગ્યો હતો.
પિતાએ બાળકને બચાવવા પ્રતિકાર કર્યો, પરંતુ દીપડો ચેતનને લઈને નીચે ઉતરી ગયો હતો. પરિવારજનોની બૂમાબૂમ બાદ ગ્રામજનો એકત્ર થયા અને રાત્રિના અંધકારમાં શોધખોળ શરૂ કરવામાં આવી. વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સઘન સર્ચ દરમિયાન નજીકના જુવારના ખેતરમાંથી ચેતનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકના શરીર પર ગંભીર ઈજાઓ સાથે સ્થળેથી દીપડાના પંજાના તથા લોહીના નિશાન મળ્યા હતા. બાળક પર હુમલા બાદ વન વિભાગે તાત્કાલિક ચાર જેટલા પાંજરા ગોઠવી શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિકોના સહયોગથી આશરે એક કલાકમાં એક દીપડો પાંજરે પુરાયો હતો. હાલ અન્ય પાંજરા પણ કાર્યરત રાખવામાં આવ્યા છે અને હુમલો કરનાર દીપડો કયો છે તે અંગે તપાસ ચાલી રહી છે.
પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ ચેતનનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. ત્યારબાદ પરિવાર માસૂમના મૃતદેહ સાથે ગોધરા રવાના થયો હતો. રોજીરોટી માટે વતનથી દૂર આવેલા પરિવારની ખુશી એક જ રાતમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.