Wed Oct 07 2026

Logo

ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ: કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શું અપાયા આદેશ ?

2026-10-03 19:29:46
Author: Mayur Patel
ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ: કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શું અપાયા આદેશ ?

જૂનાગઢ: કારતક મહિનામાં યોજાતી ગિરનાર લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ગિરનાર લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી શરૂ થતી આ પરિક્રમામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને પૂરતી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગ, વન વિભાગ, એસટી નિગમ, મહાનગરપાલિકા તેમજ માર્ગ અને મકાન પંચાયત સહિતના તમામ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચાલુ વર્ષે વરસાદની અછતની સ્થિતિને ગંભીરતાથી ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે અધિકારીઓને વિશેષ તાકીદ કરી હતી. જંગલના કઠિન માર્ગો પરથી પસાર થતા લાખો યાત્રાળુઓ માટે પીવાના પાણીની કોઈ તંગી ન સર્જાય તે માટે પરિક્રમા રૂટ પર પીવાના પાણીના પૂરતા પોઈન્ટ્સ ઊભા કરવા તેમજ પાણી પુરવઠો સતત જળવાઈ રહે તેવું સુદૃઢ આયોજન ઘડવા સૂચના આપવામાં આવી હતી.

ભાવિકોની મુસાફરી સુગમ બને તે માટે ગિરનાર લીલી પરિક્રમા રૂટ તરફ દોરી જતા મહાનગરપાલિકા, માર્ગ અને મકાન (પંચાયત તેમજ સ્ટેટ) હસ્તકના તમામ રસ્તાઓનું તાત્કાલિક નિરીક્ષણ કરવા જણાવાયું હતું. ખરાબ કે બિસ્માર રસ્તાઓનું વહેલી તકે સમારકામ (રિસર્ફેસિંગ) પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા.

ગિરનારનું જંગલ એશિયાટીક સિંહો અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓનું કુદરતી રહેઠાણ છે. પરિક્રમા દરમિયાન માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘર્ષણ ન સર્જાય તે માટે વન વિભાગને ખાસ સતર્ક રહેવા જણાવાયું હતું. રાત્રિ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી લાઈટિંગ વ્યવસ્થા કરવા તેમજ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટેના પગલાં ભરવા નિર્દેશ અપાયા હતા.

પરિક્રમા નિર્વિઘ્ને અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી નક્કર એક્શન પ્લાન બનાવવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે.